ભરૂચ: (Bharuch) મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લીમીટેડના નામે ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GiDC) પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇન્ડોકેમ કમ્પાઉન્ડમાં બનાવાઈ રહ્યા હતા. સમગ્ર ઘટના બાતમી આધારે કંપીના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે જીઆઈડીસી પોલીસની મદદથી કંપનીની એ જગ્યાએ ઓચિંતો દરોડા પાડ્યો હતો. પોલીસે ડુપ્લીકેટ (Duplicate) માર્કાના પતરા અને મશીનનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એપીયર(ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઇન્વેસ્ટીગેશન મેનેજર તરીકે મહારાષ્ટ્રના થાણેના 48 વર્ષના મંગલ ઉબાદાત્ત પાંડે છેલ્લા 13 વર્ષથી નોકરી કરે છે. તેમની કંપનીને ઇસ્ટ મુંબઈની જેએસડબ્લ્યુ સ્ટીલ કોટેડ પ્રોડકસ લીમીટેડ કંપનીએ પાવર ઓફ એટર્ની આપીને જણાવ્યું હતું કે ગુજરાતના અંકલેશ્વર ખાતે ડુપ્લીકેટ પતરા બનાવીને વેચે છે. સમગ્ર ઘટનાથી તેમની કંપની દ્વારા માહિતી મેળવીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
જે બાબતે મહારાષ્ટ્રથી અંકલેશ્વર ખાતે તેઓ સાથે ઇન્વેસ્ટીગેશન ઓફિસર યોગેશ વિલાસ ચવ્હાણ સાથે ચાર દિવસનો ધામો નાખ્યો હતો. જેમાં તપાસતા અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ નં-2900/102 ઇન્ડોકેમ કમ્પાઉન્ડ, સદાનંદ હોટલની બાજુમાં લોટસ રૂફ ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લીકેટ રૂફ બનાવીને તેમની કંપનીની પરમીશન વગર માર્કો લગાવીને બારોબાર વેચતા હતા એ બહાર આવ્યું હતું. દરોડાની જગ્યાએથી જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના ડુપ્લિકેટ માર્કા લગાડી વેચાતા પતરા મળી આવ્યા હતા. પોલીસે રૂ.1,20,૩૬૦ પતરાનો જથ્થો તેમજ રૂ.1,50,000 મશીન મળી કુલ રૂ. 2,70,૩૬૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સુરતના અમરોલી રોડ પર સાંઈ રેસીડન્સીમાં રહેતા મુખ્ય સુત્રધાર સુરેશ વાછાણીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ભરૂચમાં પ્લાસ્ટિક વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે
ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે આગવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં રોજનો ૩ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જે કચરો વિણનારા ઓ માટે હવે સીધું રોજગારીનું સાધન બની રહેશે. સાથે આ પ્લાસ્ટિક વેસ્ટ એક સ્થાન પર એકત્રિત કરી ઈપીઆર એજન્સી તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરશે. પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટેના પાલિકાના આગવા અભિગમથી શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થવા સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંતર્ગત ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે આગવી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં પદ્ધતિસર પ્લાસ્ટિક કચરાના નિકાલ ઉપરાંત પ્લાસ્ટિક વિણનારા ‘રેગ પીકર્સ’ને પણ સારી આજીવિકા મળશે. ભરૂચ નગરપાલિકાએ દ્વારા યોજના માટે એક ઈપીઆર એક્સ્ટેન્ડેડ પ્રોડ્યૂસર રિસ્પોન્સબિલિટી એજન્સી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચના ૧૦૦ જેટલા કચરો વિણનારાની નોંધણી કરવામાં આવી છે. જે શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો વિણશે અને આ કચરો ઈપીઆર એજન્સી ‘રેગ પિકર્સ’ પાસેથી બજાર ભાવે ખરીદશે. જેમાં કચરો વિણનારને સીધી રોજગારી મળશે. એટલું જ નહીં સરકાર રેગ પિકર્સને પ્રોત્સાહન રૂપે એક કિલો પ્લાસ્ટિક વેસ્ટના રૂપિયા 3 લેખે વધુમાં વધુ ૧૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટના એક દિવસના રૂપિયા ૩૦ આપશે. જેમાં તેના બેન્ક ખાતામાં દર મહિને રૂપિયા ૯૦૦ જમા કરાશે.