અંકલેશ્વર : હાંસોટ પોલીસે 22 વર્ષથી નાસતા ફરતા 3 આરોપીને ઔરંગાબાદ મહારાષ્ટ્રથી ઝડપી લાવી હતી. પંડવાઈ સુગર ફેક્ટરી સાથે 1999માં મજૂરો માટે કરાર કરી રોકડ તથા સર સામાન અને એડવાન્સ પેટે લઇ કરારનો ભંગ કરી જુવાનીમાં 5.89 લાખની ઠગાઈ કરી પલાયન થયેલા ત્રણેય આરોપી બુઢામાં પકડવાની ઘટના જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. બનાવની વિગતો અનુસાર 1999માં ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ સાથે સંતોષ સોમા વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારીએ મજૂરો માટે કરાર કર્યો હતો. સુગર ફેક્ટરીમાંથી રોકડ રૂપિયા તથા સર સમાાન એડવાન્સ પેટે લઈ દોઢ માસ સુધી મજૂરોને કામે રાખી ત્યારબાદ મજૂરો તેમજ અન્ય સરસામાન સાથે પલાયન થઈ ગયા હતા.
સુગર ફેક્ટરી સાથે કરેલા કરારનો ભંગ કરી એડવાન્સ પેટે રૂપિયા 5.89 લાખ તેમજ સરસામાન જીસરી 52 નંગ, ટોચણ નંગ 156ને લઇ ફરાર થઇ ગયા હતા.
છેલ્લા 22 વર્ષ ઉપરાંતથી હાંસોટ પોલીસ મથકે તેવો વોન્ટેડ હતા. જેવો મહારાષ્ટ્ર ઔરંગાબાદ ખાતે હોવાની માહિતી હાંસોટ પોલીસ મથકે મળતા હાંસોટ પોલીસની એક ટીમ ઔરંગાબાદ પહોંચી હતી. 22 વર્ષ પહેલાં જુવાનીમાં 5.89 લાખનો સુગર ફેક્ટરીને ચુનો ચોપડી ગયેલા સંતોષ વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારીને નાગડા ઔરંગાબાદથી ઝડપી પાડ્યા હતા અને ત્યાંથી ટ્રાન્સફર વોરન્ટ પર હાંસોટ ખાતે લઇ આવી હતી.
પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને તાપી એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો
નિઝર : તાપી જિલ્લાના નાસતા ફરતા તથા બીજા જિલ્લાના ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા વોન્ટેડ આરોપીઓને પકડવા આપેલી સુચનાના આધારે પોલીસ ઈન્સપેક્ટર એચ.સી.ગોહિલ, એસ.ઓ.જી.ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજે સ્ટાફના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે, ચેતન ઉર્ફે મુનો ચંદુભાઇ ચૌધરી (રહે, મંગળીયા, કારપેટ ફળીયુ, તા.ડોલવણ, જી.તાપી)ને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીને ડોલવણનાં મંગળીયા ગામે ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરી છે.
દારૂના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
પલસાણા : કડોદરા જીઆઇડીસી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર હાલમાં અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ તરફથી ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 10 જાન્યુઆરી 2021થી 9 ફેબ્રુઆરી 2021 સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કડોદરા જીઆઇડીસી પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ વોન્ટેડ આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે તાતીથૈયા ગામે એસ્સાર પેટ્રોલપંપ નજીકથી 2019માં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રાજેન્દ્ર રાકેશ શાહુ (તૈલી) (ઉ.વર્ષ 25, રહે તાતીથૈયા, સોની પાર્ક, તા. પલસાણા, મૂળ રહે ગાજીપુર, જી. ફતેપુર, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પડયો હતો.