અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) એક પ્રગતિશીલ ખેડૂતે (Farmer) જૂના દીવા ગામની સીમમાં પોતાના ખેતરમાં આંબાવાડી સાથે સફેદ જાંબુના ઝાડ વાવ્યા છે. આ ઝાડ ઉપર સફેદ અને લાલ જાંબુનો મબલક પાક આવતાં તેઓને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના પ્રગતિશીલ ખેડૂત મોન્ટુ મોદીએ પોતાની આંબાવાડી સાથે સફેદ જાંબુનાં છોડ બે વર્ષ અગાઉ રોપ્યા હતા. આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ અને લાલા જાંબુના ફળ લાગ્યાં છે. ખેડૂત મોન્ટુ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. જે કાળા જાંબુ જેવા જ પણ કલર અલગ હોવાના કારણે સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે.
- એક ઝાડ ઉપર સફેદ અને લાલ બે પ્રકારનાં જાંબુનાં ફળ ઝૂલે છે
- આ પ્રકારનાં જાંબુ સ્વાદમાં મીઠા હોય છે, પણ ઠળિયાં હોતાં નથી
આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટ્ટા લાગે છે અને એનો સ્વાદ મધુર હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે. હાઈબ્રીડ કલમ કરી અલગ અલગ જાત બનાવવામાં આવે છે. સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ, પોપટ, કાગડો ખૂબ આના ફળ ખાય છે. સફેદ જાંબુની અંદરથી ૨ કે ૩ જેટલાં બીજ હોય છે. જો કે, તેમાં ઠળિયાં હોતાં નથી. અંદર રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે તેમજ તેનાં પાન બારેમાસ લીલાં હોય છે.
સફેદ જાંબુને ઇમ્યુનિટી બુસ્ટર માનવામાં આવે છે. આ ફળનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમા આયર્ન,
ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ જેવાં તત્ત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. હાલમાં અંકલેશ્વરના શાકમાર્કેટમાં સફેદ અને લાલ જાંબુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, સ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુ ૧૦૦ રૂપિયા, જ્યારે લાલ જાંબુ ૧૪૦ રૂપિયા એક કિલોના ભાવે વેચાય રહ્યા છે, અને તેનો મબલક પાક મળતાં ખેડૂતને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે.