અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફેબ્રિક એન્જીનીયરીંગના સંચાલકના પરીવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. પ્રયાગરાજ મહાકુંભના દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત નડતા દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું જયારે 4 જણા ઈજાગ્રસ્ત થયા હતા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર નજીક કાર પલટી મારતા અંકલેશ્વરના દંપતીનું મોત થયું હતું જ્યારે 4 ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંદસૌર નજીક કાર ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. 40 વર્ષીય નરેશ શર્માનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના 35 વર્ષીય પત્ની મીના શર્માએ હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. અકસ્માતમાં દંપતીનો 14 વર્ષીય પુત્ર આયુષ, પુત્રી મયુરી અને ધ્રુવી તેમજ કારચાલક આદિત્યને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શર્મા પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં ધાર્મિક દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ કરુણ ઘટના બની હતી. અકસ્માતની જાણ અંકલેશ્વર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર રેલવે કન્ટેનર યાર્ડ નજીક કચરામાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. શુક્રવારે બનેલી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની વિવિધ ચીજવસ્તુઓની નિકાસ આ કન્ટેનર મારફતે કરવામાં આવે છે. વળી ઘટનાસ્થળની નજીકમાંથી રેલવે લાઈન પણ પસાર થાય છે. જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જવાની શક્યતા હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ કરાઈ રહી છે.
