ભરૂચ: ભરૂચમાં મતગણતરી પહેલાં ધમકી પ્રકરણ ગાજ્યું છે. અહીં અંકલેશ્વર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને દારૂ પી પાલિકાના કારોબારી અધ્યક્ષે મા-બેન સમી ગાળો દઈ અપહરણ કરી લેવાની ધમકી આપી હોવાનો ઓડિયો વાયરલ થયો છે. બે ઓડિયો ક્લીપ વાયરલ થતા ભરૂચમાં રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ભરૂચ (Bharuch) વિધાનસભાની અંક્લેશ્વર (Ankleswar) બેઠકના ઉમેદવાર વિજયસિંહ (Vijaysinh) ઉર્ફે વલ્લભદાસ પટેલને પાલિકાના કારોબારી અધ્યક્ષને કથિતપણે નશો કરેલી હાલતમાં ફોન કરી મારી નગરપાલિકાને બદનામ કેમ કરે છે કહીં અપશબ્દો ઉચ્ચાર્યાં હોવાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે ઉમેદવારને મારવાની ધમકીઓ પણ આપતા ઓડિયો કલીપ વાઈરલ થઇ ગયો હતો.
- ભરૂચ વિધાનસભાની અંકલેશ્વર બેઠકના ઉમેદવાર વિજયસિંહ પટેલને પાલિકાના કારોબારી અધ્યક્ષે નશામાં ફોન કરી ધમકાવ્યો
- મતગણતરી પહેલાં અંકલેશ્વરમાં રાજકારણ ગરમાયું
- અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલે આરોપને ફગાવ્યા
- વિજયસિંહે સંદીપ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી
મતગણતરીનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અંક્લેશ્વરમાં પરિણામ આવે એ પહેલાં જ રાજકારણ ગરમાતા ખળભળાટ મચી ગયો છે. અંક્લેશ્વર નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ ગતરાત્રીના સમયે ફોન કર્યો હતો. જેમાં તેમણે ઉમેદવાર વિજયસિંહે તેમના ભાષણમાં અન્ય જિલ્લાઓની તારીફ કેમ કરી તેમ કહીં તું મારી પાલિકાને ખરાબ ચિતરવા માંગે છે તેમ કહીં તેની સાથે પહેલાં બોલાચાલી કરી હતી. સમગ્ર મામલો ગરમાતાં તેઓ વચ્ચે વાક્યુદ્ધ છેડાતા સંદિપ ઉર્ફે રોકીએ તેમને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. હું હજી પણ ગુંડો જ છું તેમ કહીં તેમને ઉપાડી જવાની પણ ધમકીઓ આપી હતી.
ઉપરાંત તું રેકોર્ડિંગ કરતો હોય તો કરી લે તેમ કહી બેફામ અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. જોકે, વાયરલ થયેલાં ઓડિયોમાં સંદિપ ઉર્ફે રોકી નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ઘટનાને લઇને સંદિપ પટેલ સાથે વાતચિત કરતાં તેમણે તેમના પર પાયા વિહોણા આક્ષેપ કરાયાં હોવાની કેફિયત રજૂ કરી હતી. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલ મોડી રાત્રે સંદિપ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અંક્લેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ટેકેદારો સાથે પહોંચ્યા હતા.જે બાબતે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે અંકલેશ્વર શહેર પોલીસમાં ફરિયાદ આપતાં અંકલેશ્વર નગરપાલિકાના અધ્યક્ષ સંદીપ પટેલ વિરુદ્ધ IPC-504,506 ગુનો નોંધવામાં આવ્યો હતો.