Dakshin Gujarat

અબ કી બાર 300 પાર: અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણ રેડ ઝોનમાં

ભરૂચ: ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર (Ankleshwar) પંથક અવારનવાર પ્રદૂષણના કારણે ચર્ચામાં આવતું હોય છે. આ વિસ્તારમાં જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ (Air pollution) જેવી બાબતો સામાન્ય બની છે. એક તરફ શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે મફલર અને સ્વેટર પહેરી કેટલાંક શહેરોના લોકો વહેલી સવારની શુદ્ધ હવા લેવાના લ્હાવો લેવા માટે વોક તેમજ ચાલવા નીકળતા હોય છે. તો બીજી તરફ અંકલેશ્વરવાસીઓ માટે જાણે કે ઊલટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિનું સર્જન થતું જોવા મળ્યું છે.

  • અંકલેશ્વરવાસીઓ માટે જાણે કે ઊલટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિનું સર્જન થતું જોવા મળ્યું
  • ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું અંકલેશ્વર પંથક આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું

ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું અંકલેશ્વર પંથક આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વર પંથકમાં છેલ્લા ગત ત્રણ દિવસથી વાયુ પ્રદૂષણની માત્રામાં ખૂબ વધારો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરી AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વાયુ પ્રદૂષણની માત્રા 313ના આ આંકડા સાથે રેડ ઝોન ઉપર પહોંચતાં પર્યાવરણપ્રેમીઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
અંકલેશ્વર પંથકમાં હવાની ગુણવત્તા ખરાબ થઇ હોવાની બાબત સ્થાનિકો માટે પણ ચિંતા ઉપજાવે તેમ છે. કારણ કે, આ પ્રકારના હવાની ગુણવત્તા હોય અને તેમાં પણ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં અગવડતાઓ પડી શકે છે. તેમજ અન્ય રોગો પણ થઇ શકે છે તેમ પર્યાવરણવાદીઓનું માનવું છે.

હાલ તો ઔદ્યોગિક એકમો વચ્ચે વસેલા અંકલેશ્વર શહેરમાં આ પ્રકારે હવાની ગુણવત્તા અંગેની સ્થિતિનું સર્જન થયું છે. જે બાદ સ્થાનિક જીપીસીબી સહિતના લાગતા વળગતા તંત્રએ પણ મામલે મંથન કરવાની તાતી જરૂર જણાઈ રહી છે. તેમજ અંકલેશ્વરવાસીઓને આ પ્રકારની જોખમી સ્થિતિ વચ્ચેથી કઇ રીતે છૂટકારો મળી શકે એ બાબતે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવી જરૂરી જણાય છે.

Most Popular

To Top