અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) બે અલગ અલગ અકસ્માતની (Accident) ઘટનામાં એકે જીવ ગુમાવ્યો (Death) હતો. તો અન્ય બે વ્યક્તિ ઘાયલ (Injured) થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પાંચ જેટલાં વાહનોને નુકસાન થયું હતું.
પ્રથમ ઘટના હવા મહેલ રોડના ટર્નિંગ પર બની હતી. જ્યાં રિક્ષા અને મીની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત તેમજ અન્ય બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના જ ભાટવાડ વિસ્તારના યુવાનનું મોત નીપજતાં વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. તો અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ–અંકલેશ્વર માર્ગ પર નર્મદા મૈયા બ્રિજની આગળ સર્જાઈ હતી. જ્યાં બે એસટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો. તો બીજી તરફ અકસ્માતને કારણે વીજ પોલ પણ તૂટી જતાં રસ્તા પરથી અવરજવર કરતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
કડોદરામાં સ્કૂલબસની અડફેટે મહિલાનું મોત
પલસાણા : કડોદરા ચાર રસ્તા નજીક આવેલા સાગર ઢાબાની સામે રસ્તો ઓળંગતી મહિલાને એક સ્કૂલબસના ચાલકે અડફેટે લેતા તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવની મળતી માહિતી અનુસાર કડોદરા નેશનલ હાઇવે ૪૮ ખાતે સાગર ઢાબાની ઉપર ઓપેરા હાઉસ ખાતે રહેતી અને છૂટક કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતી ૪૭ વર્ષીય અસમાન ખાતુન નવસાદ શેખ ગઇ તારીખ ૧૩ જુલાઇના રોજ તેમના કામ અર્થે તેમની બિલ્ડિંગની સામે આવેલા નેશનલ હાઇવે ૪૮ ને ક્રોસ કરી રહ્યા હતાં. ત્યારે તેમને એક સ્કુલ બસના ચાલક સમીર મીરાભાઇ કાસીમે અડફેટે લઇ લીધા હતાં. તેમને ગંભીર ઇજા થતાં બસના ચાલકે તેમને સ્કૂલ બસમાં જ સંજીવની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. ત્યાંથી વધુ સારવાર માટે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.