અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સી પમ્પિંગ સ્ટેશન પાસે શનિવારે નજીવો વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું. જેથી સી પમ્પિંગ સ્ટેશન પાસે પ્રદૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. આ અંગેની જાણ જીપીસીબીને થતાં તે ઘટના સ્થળે જઈ પાણીના નમૂના લીધા હતા. છેલ્લા ઘણા સમયથી અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો યથાવત છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી NCTમાં મોકલાતા એફ્લુઅન્ટ ક્વોલિટી અને કોન્ટીટી બંને જીપીસીબી દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધારે આવતી હોય છે.
NCT પાસે જરૂરિયાત મુજબના રિઝર્વ ગાર્ડ-પોંડ નહીં હોવાથી ફાઇનલ પમ્પિંગ સ્ટેશનથી પમ્પિંગ બંધ કરવામાં આવે છે. જેથી કોર્ટના હુકમનો ભંગ થાય એ રીતે આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. અંકલેશ્વર-પાનોલી અને ઝઘડિયાના મેમ્બર ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ કરી દરિયામાં નિકાલ કરવાની જવાબદારી નર્મદા ક્લીન ટેકની છે. તેવા NCT દ્વારા પોતાના પ્લાન્ટમાંથી મોટા બે પાઇપ દ્વારા આમલાખાડીમાં મોટા જથ્થામાં ગંદું પાણી છોડી પર્યાવરણને ગંભીર નુકસાન કરતાં જીપીસીબીની હાજરીમાં સ્થાનિક સામાજિક સંસ્થાના હાથે તા.૧૦/૦૮/૨૧ રોજ ઝડપાયા હતા અને જીપીસીબીએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી તપાસ રિપોર્ટ બનાવ્યો હતો અને સ્થાનિક જીપીસીબીની કચેરી દ્વારા આ રિપોર્ટ વડી કચેરીએ કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો હતો. જે બાદ ગાંધીનગર જીપીસીબી વડી કચેરી દ્વારા NCTને ૩૦ દિવસની મુદત બાદની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. છતાં ઘણા સમયથી અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો યથાવત છે.