Dakshin Gujarat

ભરચોમાસે અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણીકાપ

ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ આપવામાં આવ્યો હતો. 28મી ઓગસ્ટથી ઉકાઈ જમણા કાંઠા નહેરનો પૂરવઠો બંધ થતાં લેવાયેલા નિર્ણયથી જીઆઇડીસી તળાવનું લેવલ ઘટતાં સ્થિતિ ઉદ્દભવી છે. જો કે, નોટિફાઈડ અને એ.આઈ.એ દ્વારા રોટેશન પોલિસી બદલી પાણી પૂરવઠો વધારવા રજૂઆત કરાઈ છે.

અંકલેશ્વર પંથક એક તબક્કે ઓછા વરસાદને લઇ જળ અને ખેતી બંને માટે આફત ઊભી થઇ હતી. તાપી નદી પર નિર્ભર અંકલેશ્વરમાં પુનઃ એકવાર જળસંકટ ચોમાસા દરમિયાન ઊભું થયું છે. અંકલેશ્વર જીઆઇડીસી ઔદ્યોગિક એકમોમાં નોટિફાઈડ વિભાગ દ્વારા 24 કલાક પાણીના બદલે 10 કલાક પાણી આપી 14 કલાકનો પાણીનો કાપ મૂકી દીધો છે. તો રહેણાક વિસ્તારમાં સવારે 3 અને સાંજે 3 કલાક પાણી આપવામાં આવતું હતું. તેમાં કાપ મૂકી હવે માત્ર સવારે 3:30 કલાક પાણી આપવામાં આવશે અને અઢી કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. નોટિફાઈડ વિભાગ દ્વારા એક જાહેર સર્ક્યુલર સોશિયલ મીડિયા પર ઉદ્યોગોને આપતા “ ઉકાઈ સિંચાઈ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર કેનાલનું પાણી તા.28-08-2021થી અનિશ્ચિત સમય માટે બંધ કર્યું છે.

ઉકાઈ ડેમનું લેવલ પણ ઓછું છે. હાલ અત્યારે જીઆઇડીસી તળાવનું લેવલ પણ 19.60 જેટલું છે. આ સંજોગોમાં હાલની પરિસ્થિતિનું નિર્માણ થતાં તા.30-08-21થી ઔદ્યોગિક એકમોમાં દિવસ દરમિયાન 10થી 12 કલાક જેટલો પૂરવઠો આપવામાં આવશે. અંકલેશ્વર નગર નર્મદા કિનારે વસેલું હોવા છતાં તાપી નદીના જમણા કાંઠાની નહેર પર નિર્ભર છે. ત્યારે સ્થાનિક રાજકીય અગ્રણીઓ નર્મદા નદીનું નીર અંકલેશ્વરને મળે એ દિશામાં રજૂઆત કરે તેવી માંગ ઊઠી છે. ઉદ્યોગમંડળના ઉપપ્રમુખ જશુ ચૌધરી જણાવ્યું હતું કે, ઉકાઈ કેનાલનો પૂરવઠો બંધ થતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. રહેણાંક વિસ્તારની પ્રાથમિકતા ધ્યાને લઈ ઔદ્યોગિક એકમો પાણી કાપ આપવામાં આવ્યો છે. ઉકાઈ કેનાલની રોટેશન પોલિસી બદલવા માટે સંબંધિત વિભાગમાં રજૂઆત કરી છે. તંત્ર રોટેશન પોલિસીનો સમય અને ટાઈમ ટેબલ બદલવા માટે વિચારી રહ્યું છે.

Most Popular

To Top