અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી હતી, અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ સ્થળ ઉપર જીપીસીબીની ટીમે આવી પહોંચી સોલિડ વેસ્ટનાં સેમ્પલો લઇ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં અવાવરુ જગ્યામાં ટ્રકમાં કંપનીનો કેમિકલયુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદૂષિત પાણીનાં ડ્રમ ભરીને નિકાલ કરવાની પેરવી કરવામાં આવી રહી હતી.
એ જ સમયે ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી હતી. અને આ અંગે ગ્રામજનોએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ ટ્રકમાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં પ્રદૂષિત કચરો ભરેલાં ડ્રમ મળી આવ્યાં હતાં. જેમાં સોલિડ વેસ્ટ અને પ્રદૂષિત પાણી ભરેલું હોવાનું માલૂમ પડતાં આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબીની ટીમ સાથે એફએસએલની ટીમે આવી તપાસ હાથ ધરી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલો લઇ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વધુમાં ટ્રકચાલકની પણ પોલીસ અને જીપીસીબી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.