અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) શહેર પોલીસે સુરવાડી ઓવરબ્રિજના છેડા ઉપર એચ.ડી.એફ.સી. બેંક નજીક પાયલોટિંગ કરતી મોપેડ અને વિદેશી દારૂ (alcohol) ભરેલી વૈભવી કાર (Car) મળી કુલ ૬.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર શહેરમાં દિવાળી તહેવાર ટાળે દારૂની રેલમછેલ અટકાવવા શહેર પોલીસમથકના સ્ટાફને બાતમી મળી હતી કે, એમ.એચ.૧૫.જી.એફ.૦૬૫૯માં ત્રણ ઈસમો વિદેશી દારૂનો જથ્થો હાઇવે ઉપર નવજીવન હોટલથી નીકળી રહ્યા છે અને નવા દીવા ગામનો બુટલેગર ગુમાન ઉર્ફે ગુલીયો કાલિદાસ વસાવા મોપેડ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરી પોતાના ઘરે લઇ જઈ રહ્યો છે, એવી બાતમીના આધારે શહેર પોલીસે સુરવાડી ઓવરબ્રિજના છેડા ઉપર એચ.ડી.એફ.સી. બેંક નજીક વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમીવાળી જીપ કંપાસ ગાડી આવતાં પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો.
૫ લાખની જીપ તેમજ મોપેડ મળી કુલ ૬.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પોલીસને જોઈ મોપેડસવાર મોપેડ સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યારે જીપ કંપાસ ગાડીનો ચાલક જીપ લઇ ભાગવા જતાં બમ્પર કુદાવવા જતાં ટાયર બેન્ડ થઇ ગયું હતું. જે ગાડીમાંથી બે ઈસમ ફરાર થઇ ગયા હતા. પોલીસે કીમના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ હીરા મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૮૦ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૭૨ હજાર દારૂ અને ૫ લાખની જીપ તેમજ મોપેડ મળી કુલ ૬.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ડાંગના શામગહાનથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો
સાપુતારા : સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.કે.ચૌધરીની ટીમે સાપુતારા પોલીસ મથકનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન સાપુતારા પોલીસની ટીમને શામગહાન ગામે કાળાઆંબા ફળીયામાં રહેતો કરણભાઈ રાજુભાઈ ચૌધરી પોતાના મકાનમાં ગેરકાયદે વિદેશી ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે સાપુતારા પોલીસે શામગહાન કરણ ચૌધરીનાં મકાનમાં રેડ કરતા મકાનનાં પાછળનાં ભાગે વિમલનાં કોથળામાંથી દારૂની 33 બોટલ 3220નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ 4,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 7,220 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર કરણ ચૌધરીની ધરપકડ કરી હતી.