વનમાં અત્યાર સુધીમાં આપણે સ્પર્ધા અને સ્પર્ધામાં કેમ આગળ રહેવું અને કેવી રીતે સફળતા મેળવવી એ શીખેલું છે, અત્યારે ઘણાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે તેમાં કૉમ્પિટિશનમાં કેમ આગળ વધવું, કેવી રીતે પ્રતિસ્પર્ધી કરતાં આગળ રહેવું વગેરે તો શીખવાડવામાં આવે છે, પરંતુ સમય બદલાયો છે. અત્યારે એકબીજા જોડે હરીફાઈમાં કેમ આગળ નીકળવું એના કરતાં સાથે મળીને, સહિયારા પ્રયત્નો કરીને, એકબીજાની તાકાતનો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરીને મહત્તમ સફળતા કેવી રીતે મળે તે જોવાનો છે. હરીફાઈમાં આપણે એકલા આગળ નીકળી જઈએ અને બાકી બધા પાછળ રહી જાય તેવા વિચારો અને સંજોગો બંને બદલાયા છે. બદલાતાં સમય પ્રમાણે એકબીજા જોડે ખભે ખભા મિલાવી કામ કરી ઓર્ગેનાઇઝેશનનું ધ્યેય કેવી રીતે હાંસલ કરવું તે જોવાનું છે.
કોમ્પિટિશન એટલે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવું અને તમારે સ્કિલ અને હોંશિયારીનો ઉપયોગ કરીને કેવી રીતે આગળ વધવું. જ્યારે કૉલોબ્રેશન એટલે સહિયારો પ્રયાસ, કોમન ગોલને ધ્યાનમાં રાખીને એકબીજાના સહિયારા પ્રવાસોથી ઉત્તમ પરિણામ મેળવવું. હરીફાઈથી સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય છે પણ જોડે તણાવ પણ ઊભો થાય છે, જ્યારે સહિયારા પ્રયાસો એકબીજાની ખામીઓ છતાં જોડે મળીને શ્રેષ્ઠ કામ થાય છે અને સંઘ ભાવનાનો અહેસાસ કરાવે છે અને કામ કરવા માટેનું ઉત્તમ વાતાવરણ ઊભું થાય છે.
કૉલોબ્રેશન એટલે શું? જો આને સારી અને સિમ્પલ ભાષામાં કહેવું હોય તો પરસ્પરના વાદ-વિવાદ બાજુમાં મૂકી, દરેકને પૂરતું સન્માન આપી, દરેકનાં કાર્યને પોતાના કાર્ય જેટલું જ મહત્ત્વનું સમજીને, એકબીજાને સમજીને, સહિયારા ધ્યેય માટે કામ કરવું. જ્યારે બીજાને માન આપવાની વાત આવે ત્યારે ખુલ્લાં દિલથી સામેવાળાની પર્સનાલિટીનો સ્વીકાર કરવો. જો તમે ઇગો રાખીને ટીમ વર્કની વાત કરશો તો તે નહીં બને.
જે દિવસે તમે તમારા સહયોગીનાં કાર્યને તમારા કાર્ય જેટલું જ મહત્ત્વનું અને સન્માનથી જોશો એ દિવસે બધી સમસ્યાનો અંત આવી જશે. હરીફાઈથી માનસિક તણાવ ઊભો થાય છે જ્યારે કૉલોબ્રેશનથી પરસ્પર સંપ અને આનંદની લાગણી ઊભી થાય છે. સહિયારા પ્રયાસોમાં બધા ખુશ રહે છે અને ટીમ વર્કથી આખી સંસ્થાનો ગોલ હાંસલ થાય છે. જ્યારે હરીફાઈથી એક જીતે છે અને બીજો હારે છે, જીતવાનો અને હારવાનો ક્રમ તનાવભરી પરિસ્થિતિમાં ચાલતો જ રહે છે.
એક ઉદાહરણ જોઈએ. સ્ત્રી ઉદ્યોગ સાહસિક તરીકે અનિતા રોડિકનું નામ જાણીતું છે. ‘ધ બૉડી શૉપ’નામની દુકાનોની શ્રૃંખલા શરૂ કરવા અને પર્યાવરણ, માનવ અધિકારો ક્ષેત્રે ઉમદા કાર્યો કરવા બદલ તેમને સારી પ્રસિદ્ધિ મળેલી છે. તેઓ હરીફાઈ નહીં પરંતુ લોકો જોડે સાથે મળીને કામ કરવામાં માને છે. હરીફોને પૂરતું માન આપવું તે તેમની ફિલોસોફી છે. તેઓ કહે છે, ‘‘સમય સમય બલવાન નહીં પરંતુ મનુષ્ય બલવાન છે તે હું ચોક્કસ માનું છું. સારામાં સારી પ્રોડક્ટ હોય પણ જો તમારી જોડે સહિયારા પ્રયાસોમાં માનનારી ટીમ ન હોય તો તમે કશું ન કરી શકો. હરીફાઈમાં માનો પરંતુ તમારી ટીમ વર્ક પર વધારે ભરોસો મૂકો.
જો તમારું ટીમ વર્ક સુપર્બ હશે તો તમને કોઈ પહોંચી નહીં વળે. તમે ફક્ત બધાને જોડે રાખી કામ કરતા જાઓ સફળતા મળી જશે. તમારા હરીફો પર બહુ ધ્યાન કેન્દ્રિત ન કરો નહીં તો તમારી વ્યૂહરચના પર તેની અસર થશે. લોકો જોડે ગળાકાપ હરીફાઈમાં ઊતરી વિરાટકાય કંપની બનાવવામાં મને જરાય રસ નથી. હું મારા મૅનેજરોને એકબીજાની ટીકા કરવાનો કદાપી મોકો આપતી નથી. તેઓ જોડે રહીને ઑર્ગેનાઇઝેશન માટે શું કરે તે મારા માટે મહત્ત્વનું છે.’’ અનિતા રોડિકના મત મુજબ બિઝનેસમાં કોઈ પણ વિજય હરીફાઈથી જિતાતો નથી. જો તમારે બધા કરતા અલગ દેખાવું હોય તો સ્પર્ધા નહિ પરંતુ એકબીજાને સહયોગ કરવો પડે તો જ તમે લાંબા ગાળામાં ઉત્તમ ખેલાડી બની શકો. ubhavesh@hotmail.com