Charchapatra

જીવદયાપ્રેમીઓ ચોકકસ, શેલ્ટર હોમમાં જઈને કૂતરાંઓને ખવડાવશે

રખડતાં અને માણસ-ઢોરને કરડી ખાતાં કૂતરાંઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના શુદ્ધ હેતુસર આપણી સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આવાં કૂતરાંઓને પકડીને શેલ્ટર હોમમાં પૂરી દેવાં જોઈએ. શેલ્ટર હોમમાં એ કૂતરાંઓને માટે ખોરાક તથા પાણીની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસનોએ કરવી રહી. રખડતાં કૂતરાંઓનો કેટલો ભયંકર ત્રાસ આપણને છે, એ આપણે સૌ જાણીએ છીએ. રખડતાં કૂતરાંઓને શેલ્ટર હોમ (વાડાઓ)માં રાખીને ત્યાં એમનું રસીકરણ અને ખસીકરણ કરવાનું કામ કરવું રહ્યું. આજે અનેક જગ્યાએ, ગાયો માટે તથા અન્ય ઢોરો માટે પાંજરાપોળો બનાવેલી હોય છે. એ ઢોરો માટે ચાર-પૂળો-પાણી, ધર્માદા સંસ્થાઓ અને જીવદયાપ્રેમીઓ પૂરાં પાડતા હોય છે.

અનેક જગ્યાએ ગૌશાળાઓ પણ હોય છે. ત્યાં પણ દયાળુ લોકો, વેચાતું ઘાસ લઇને ગાયોને ખવડાવતાં હોય છે. એ જ રીતે કૂતરાંઓના વાડા હોય અને એ વાડાઓ તરફ જીવદયાપ્રેમીઓ પોતાને ઘેરથી રોટલા, રોટલીઓ, ખીચડી, દૂધ,છાશ વગેરે ખાદ્ય ચીજો બનાવીને લઇને જાય અને ખવડાવે તો કૂતરાંઓને ખવડાવવાનું પુણ્ય પણ એમને પ્રાપ્ત થાય. જીવ માત્ર પ્રત્યે દયા તથા કરુણા રાખવી, એના જેવું પુણ્ય, બીજું શું હોઇ શકે? એટલે જ પ્રશાસનો વાડા બનાવે અને કૂતરાંઓને એમાં રાખે અને એમના ત્રાસથી લોકોને બચાવે. જીવદયાપ્રેમીઓના દેશમાં શેલ્ટર હોમમાં રખાયેલાં કૂતરાં કયારેય ભૂખ્યાં નહિ સૂઇ જાય એની અમને પૂરી શ્રદ્ધા છે.
કતારગામ દરવાજા, સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top