નવી દિલ્હીઃ (New Delhi) જંગી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Industrialist Anil Ambani) કંપની રિલાયન્સ કેપિટલ વેચાવા જઈ રહી છે. બેંકર્સને તેને ખરીદવા માટે 14 ઓફર મળી છે. તેમાં પિરામલ ગ્રૂપની આગેવાની હેઠળના કન્સોર્ટિયમનો સમાવેશ થાય છે. આ સિવાય ઓકટ્રી કેપિટલ, ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ અને કોસ્મેઆ ફાઈનાન્સિયલ સર્વિસે પણ બિડ કરી છે. કોસ્મી ફાયનાન્સિયલ સર્વિસે (Cosmi Financial Services) રૂ. 4,500 કરોડની બિડ લગાવી છે. તેણે રિલાયન્સ કેપિટલમાં રૂ. 1,060 કરોડના વધારાના રોકાણનું પણ વચન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે કોસ્મીના સ્થાપક-પ્રમોટર સેમ ઘોષ નવ વર્ષ સુધી રિલાયન્સ કેપિટલના વડા હતા અને હવે તે જ કંપની ખરીદવા માટે તૈયાર છે.
- જંગી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Industrialist Anil Ambani) કંપની રિલાયન્સ કેપિટલ વેચાવા જઈ રહી છે
- કોસ્મી ફાયનાન્સિયલ સર્વિસે રૂ. 4,500 કરોડની બિડ લગાવી છે
- સેમ ઘોષ એટલે કે સૌમેન ઘોષ નાણાકીય સેવા ઉદ્યોગના અનુભવી છે, રિલાયન્સ કેપિટલ ઉપરાંત તેમણે બજાજ એલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સમાં પણ કામ કર્યું છે
રિલાયન્સ કેપિટલ નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓકટ્રી કેપિટલે રૂ. 4,200 કરોડ અને હિન્દુજા ગ્રૂપે રૂ. 4,000 કરોડની બિડ કરી છે. ટોરેન્ટ ઈન્ટરનેશનલે રૂ. 4000 કરોડની બોલી લગાવી છે. તેમાં રૂ. 4000ની અપફ્રન્ટ અને રૂ. 3000 કરોડની હપ્તાઓનો સમાવેશ થાય છે. એડવેન્ટ ઇન્ટરનેશનલે રૂ. 7000 કરોડની નોન બાઈંડિંગ બિડ લગાવી છે. જ્યારે પીરામલ ગ્રૂપે રૂ. 3,700 કરોડની અને ઝ્યુરિચ ઇન્ટરનેશનલે રૂ. 3,800 કરોડની સામાન્ય વીમા કંપનીને ખરીદવા માટે બિડ મૂકી છે.
કોણ છે સેમ ઘોષ
સેમ ઘોષ એટલે કે સૌમેન ઘોષ નાણાકીય સેવા ઉદ્યોગના અનુભવી છે. રિલાયન્સ કેપિટલ ઉપરાંત તેમણે બજાજ એલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સમાં પણ કામ કર્યું છે. તેઓ નવ વર્ષ સુધી રિલાયન્સ કેપિટલના વડા હતા અને 2017માં કંપની છોડી દીધી હતી. નવેમ્બર 2020 માં તેમણે કોસ્મી ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સની સ્થાપના કરી. સેમ ઘોષ પાસે નાણાકીય ક્ષેત્રમાં 35 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ભારતી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં એમડી પણ હતા. તેઓ 2008માં રિલાયન્સ કેપિટલમાં જોડાયા હતા. તે પહેલા તેમણે 18 વર્ષ સુધી આલિયાન્ઝ ગ્રુપમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું. સેમ ઘોષે લંડન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી છે. તેઓ ઈંગ્લેન્ડ અને વેલ્સની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થાના ફેલો છે.
રિલાયન્સ કેપિટલમાં લગભગ 20 નાણાકીય સેવાઓ કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડનું 30 નવેમ્બર 2021 ના રોજ વિસર્જન કર્યું હતું. તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવને કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. રાવે બિડર્સને સમગ્ર કંપની અથવા વ્યક્તિગત કંપનીઓ માટે બિડ કરવાનો વિકલ્પ આપ્યો હતો. રિલાયન્સ કેપિટલ માટે બિડિંગ માટે 29 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
LICનું સૌથી વધુ દેવું
પ્રશાસકે રૂ. 23,666 કરોડના નાણાકીય લેણદારોના દાવાની ચકાસણી કરી છે. LICએ 3400 કરોડનો દાવો કર્યો છે. સપ્ટેમ્બર 2021 માં રિલાયન્સ કેપિટલે તેના શેરધારકોને જણાવ્યું હતું કે કંપની પર 40,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. અનિલ અંબાણીની અન્ય ઘણી કંપનીઓ પર પણ જંગી દેવું છે અને તે નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. 2007માં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 બિલિયન અબજ ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે.