જામનગરમાં હમણાં મુકેશ અંબાણીના પરિવારનો મેગા ઇવેન્ટ યોજાઈ ગયો, તેમાં સૌથી સિમ્પલ પહેરવેશમાં કોઈ જોવા મળ્યું હોય તો તે મુકેશના નાના ભાઈ અનિલ અંબાણી હતા. જિન્સનું સાદું પેન્ટ અને લાઇનિંગવાળા શર્ટમાં અનિલ અંબાણી કોઈ મિડલ ક્લાસના માનવી જેવા લાગતા હતા. કદાચ અનિલ અંબાણી દેવાદાર થઈ ગયા હોવાથી આવાં કપડાંમાં આવ્યા હોય તે સંભવ છે, પણ હવે તેમના દિવસો ફરી રહ્યા હોય તેવા નિર્દેશો મળી રહ્યા છે. અનિલ અંબાણીની ઘણી કંપનીઓ ફડચામાં ગઈ હતી અને તેમના માથા પરનું દેવું વધીને આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું; પણ હવે તેમનો નસીબનો સિતારો ફરીથી બુલંદ બની રહ્યો છે.
અનિલ અંબાણી હવે કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે. અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ પાવરે ગયા અઠવાડિયે ત્રણ બેંકો ICICI, Axis Bank અને DBS બેંકની લોન ચૂકવી દીધી છે. હવે તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના રૂ. ૨,૧૦૦ કરોડના લેણાંની પતાવટ કરવા પર કામ કરી રહી છે. એટલું જ નહીં રિલાયન્સ પાવરનું લક્ષ્ય આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં દેવાંમુક્ત કંપની બનવાનું છે. હવે રિલાયન્સ પાવર પર માત્ર IDBI બેંકમાંથી લેવામાં આવેલી વર્કિંગ કેપિટલ લોન જ બાકી રહેશે. અનિલ અંબાણીના આ પગલાં બાદ શેરમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડના શેરમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રિલાયન્સ પાવરના શેરમાં ૧૯ ટકાથી વધુનો વધારો થયો છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો રિલાયન્સ પાવરના શેરમાં ૯ ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં રિલાયન્સ પાવરના શેરમાં ૪૩ ટકાથી વધુનો વધારો થયો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં ૧૯ ટકાથી વધુનો વધારો થયો છે.
છેલ્લા ૬ મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં ૫૮ ટકાથી વધુનો વધારો થયો છે. આ સ્ટૉકમાં રોકાણ કરનારાઓ અમીર બની રહ્યા છે. હવે અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં રોકાણકારોનો વિશ્વાસ વધી ગયો છે. શેર ખરીદવા માટે રોકાણકારોમાં દોડધામ જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેરમાં રોકાણ કરનારાઓ અમીર બની ગયા છે. છેલ્લાં ૪ વર્ષમાં આ શેરે લગભગ ૨,૫૦૦ ટકાનું જંગી વળતર આપ્યું છે. રિલાયન્સ ઇન્ફ્રાનું માર્કેટ કેપ રૂ. ૧૦૯ અબજ છે. જે રોકાણકારો એક સમયે નુકસાન સહન કરી રહ્યા હતા તેઓ હવે શેરમાં વધારાથી ખુશ છે.
કહેવાય છે કે જ્યારે ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન થયું ત્યારે અનિલ અંબાણીને તેમની સારી અને નફાકારક કંપનીઓ મળી હતી. દરેકને લાગ્યું કે અનિલ અંબાણીને વધુ નફાકારક કંપનીઓ મળી છે, પરંતુ તેઓ પોતાની કંપનીનું બરાબર સંચાલન કરી શક્યા નહીં. અનિલ અંબાણીના કેટલાક ખોટા નિર્ણયોને કારણે તેમની કંપનીઓ બરબાદ થઈ ગઈ. ફેબ્રુઆરી ૨૦૨૦ માં અનિલ અંબાણીએ બ્રિટિશ કોર્ટને જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે. અનિલ અંબાણી ૨૦૦૮માં વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. તે સમયે તેમની સંપત્તિ લગભગ ૪૫ અબજ ડોલર હતી. હાલમાં અનિલ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાંથી બહાર છે. ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અનિલ અંબાણીની સંપત્તિ ૨.૫ અબજ ડોલર હોવાનું કહેવાય છે.
અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે. અનિલ અંબાણી હાલમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર કંપનીના માલિક છે. તેમની આવકનો સૌથી મુખ્ય સ્રોત રિલાયન્સ ગ્રુપ છે. અનિલ અંબાણી પાસે મુંબઈમાં રાજમહેલ જેવો આલીશાન બંગલો છે. અનિલ અંબાણીના મહેલ જેવા ઘરની કિંમત ૫,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જે તેને મુંબઈનું ત્રીજું સૌથી મોંઘું ઘર બનાવે છે. અનિલ અંબાણીની પાસે ખાનગી જેટ બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ XRS પણ છે, જેની કિંમત રૂ. ૩૧૧ કરોડ છે. અનિલ અંબાણીની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ નામની લક્ઝરી કાર છે, જેની કિંમત ૩.૫ કરોડ રૂપિયા છે.
વર્ષ ૨૦૨૦માં અનિલ અંબાણીએ બ્રિટનની કોર્ટમાં જણાવ્યું તે મુજબ તેમની કુલ મૂડી શૂન્ય થઈ ગઈ હોવા છતાં તેઓ કેવી રીતે ૫,૦૦૦ કરોડ રૂપિયાના વૈભવશાળી બંગલામાં રહી શકે છે અને પ્રાઇવેટ જેટમાં ઊડી શકે છે? તેનો જવાબ ભારતની મૂડીવાદી વ્યવસ્થામાં પડેલો છે. અનિલ અંબાણીનો આલિશાન બંગલો તેમના પોતાના નામ પર નથી પણ સંભવત: પત્નીના નામ પર છે. તેમનું પ્રાઇવેટ જેટ પણ કંપનીની માલિકીનું છે. જો કંપની ફડચામાં જતી હોય તો પણ ભારતના કાયદાઓ મુજબ તેની મિલકતનું લિલામ કરવામાં દાયકાઓ નીકળી જતા હોય છે.
શેરબજારમાં આવેલી તેજી વચ્ચે દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કિસ્મત પણ ચમકી છે. શુક્રવારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે રિલાયન્સ ઇન્ફ્રાના શેર ૪ ટકાથી વધુના વધારા સાથે રૂ. ૨૭૫.૫૦ પર બંધ થયા હતા. ગયા વર્ષે એટલે કે મે, ૨૦૨૩માં આ શેર રૂ. ૧૩૧ની બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. હવે રિલાયન્સના શેરમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. લગભગ ૪ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦માં કંપનીના શેર ૧૦ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સ્ટૉકમાં રોકાણ કરનારાઓને જબરદસ્ત વળતર મળ્યું છે. કંપનીએ તાજેતરમાં ICICI બેંક સાથે ૧૪ માર્ચ, ૨૦૨૪ના રોજ રિલાયન્સ પાવર માટે સેટલમેન્ટ ડીલ કરી છે. રિલાયન્સ પાવરના શેરોએ કોરોના સમયગાળા પછી ૪ વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે. માર્ચ ૨૦૨૦માં કંપનીના શેર ૧ રૂપિયાના સ્તરે હતા પરંતુ હવે તેમની કિંમત ૨૬ રૂપિયાથી વધુ છે.
એક સમય એવો હતો જ્યારે રિલાયન્સ પાવરના શેર રૂ. ૩૦૦ના સ્તરે ટ્રેડ થતા હતા. સ્ટોક એક્સચેન્જની માહિતી દર્શાવે છે કે રિલાયન્સ પાવરે VFSI હોલ્ડિંગ્સમાંથી રૂ. ૨૪૦ કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. આ નાણાંનો ઉપયોગ બેંકોનાં લેણાં ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. રિલાયન્સ પાવરના શેરોમાં અચાનક ઉછાળો આવવાનું મુખ્ય કારણ મોદી સરકાર દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓ માટે દેખાડવામાં આવી રહેલી કૂણી લાગણી પણ છે. તે નીતિના ભાગરૂપે અરુણાચલ પ્રદેશમાં રિલાયન્સ પાવરે તેનો ૧૨૦૦ મેગાવોટ ક્ષમતાનો કલાઈ-૨ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સરકારી કંપનીને વેચવાનો નિર્ણય કર્યો છે. આ સોદો ૧૨૮ કરોડ રૂપિયાથી વધુનો છે.
૩૫ વર્ષ જૂની THDC ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારની કંપની NTPC ની માલિકીની છે અને તે મિની રત્ન કંપની છે. કલાઈ પાવર લિમિટેડ રિલાયન્સ પાવરની પેટા કંપનીઓમાંની એક છે, જેને સરકારી કંપની ખરીદવા જઈ રહી છે. અરુણાચલ પ્રદેશ સરકાર, રિલાયન્સ પાવરની પેટાકંપની કલાઈ પાવર અને THDCએ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ આ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. અરુણાચલ પ્રદેશમાં લોહિત નદીના તટ પર સ્થિત ૧,૨૦૦ મેગાવોટ કલાઈ-૨ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો અને તેને સંબંધિત ભૌતિક સંપત્તિ, અભ્યાસ, મંજૂરીઓ, ડિઝાઇન અને બૌદ્ધિક સંપત્તિ THDCને ટ્રાન્સફર કરવામાં આવશે. તેવી જ રીતે રિલાયન્સ પાવરે બીજો સોદો કર્યો છે. JSW એનર્જીના એકમ JSW રિન્યુએબલ એનર્જીએ મહારાષ્ટ્રના વૉશપેટમાં રિલાયન્સ પાવરના ૪૫ મેગાવોટના વિન્ડ એનર્જી પ્રોજેક્ટને રૂ. ૧૩૨ કરોડમાં હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ પાવરના સૂત્રોના જણાવ્યા અનુસાર વેચાણમાંથી મળેલા નાણાંનો ઉપયોગ લોનની ચૂકવણી માટે કરવામાં આવશે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.