નડિયાદ, તા.8
નડિયાદ નગરપાલિકા અને ટાઉન પોલીસની ટીમ આજે શહેરના જાહેર માર્ગો પર ફરી એકવાર દબાણો હટાવવા માટે નીકળી હતી. પરંતુ આ ટીમ દબાણો હટાવવામાં પણ જાણે વ્હાલા-દવલાંની નીતિ અપનાવતી હોય તેમ જોવા મળ્યુ હતુ. કારણ કે, એક જ રોડ પર 100 મીટરના દબાણ હટાવ્યા અને 100 મીટરના દબાણો અંગે આંખે પાટો બાંધી દીધો હોવાનો ઘાટ જોવા મળ્યો હતો.
નડિયાદ ટાઉન પોલીસ અને નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ સમી સાંજે 5 વાગ્યાના અરસામાં દબાણો હટાવવા માટે નીકળી હતી. રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા સુધી દબાણો હટાવવા નીકળેલી ટીમે લવલીની સરદાર પ્રતિમાથી ટાઉનની સામે બસ સ્ટેન્ડ સુધીના ખાંચાના દબાણો હટાવ્યા હતા. જ્યારે આ ખાંચાથી રેલવે સ્ટેશન તરફ જતા ટાઉન મથકની સામેના દબાણો યથાસ્થિતિ રાખ્યા હતા. લવલીની બહાર નાના લારી-પાથરણાંવાળા ધંધો કરતા હોય અને રીક્ષાચાલકો ઉભા હતા, તેમને ખસેડી આખો ફૂટપાથ સ્પષ્ટ દેખાય તેવો કરી નાખ્યો હતો, પરંતુ આ 100 મીટરની આગળના 100 મીટરમાં જ્યાં ટાઉન પોલીસના વહીવટકર્તાઓ અને કર્મચારીઓનો દુકાનદારો સાથે ઘેરાબો છે, ત્યાં દબાણ હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નહોતી. જેના કારણે દબાણ અને પોલીસ ટીમની બેવડી નીતિ છતી થઈ હતી. તેમજ તેની સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. તો આ સાથે જ આ જ રોડ પર ટાઉન પોલીસ મથકની જ લાઈનમાં આખા પટ્ટા પર દુકાનદારો દ્વારા કરાયેલા દબાણોથી ફૂટપાથ દેખાતો જ નથી, એ મુજબનું દબાણ કરવામાં આવ્યુ છે. જેની સામે પણ એક્શન લેવામાં ક્યાંક દબાણ હટાવવા નીકળેલી ટીમ પાંગળી પુરવાર થઈ રહી છે.
જ્યારે સંતરામ રોડ પર દબાણો હટાવ્યાના મિનિટોમાં જ ફરી ગોઠવાઇ જાય છે.
નડિયાદમાં માનીતાના દબાણ ન હટાવતાં રોષ
By
Posted on