નડિયાદથ: નડિયાદ શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી ફિલ્ટરેશન પ્લાન્ટનું નિર્માણ કરાયુ છે. સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા વારંવાર આ પ્લાન્ટ કાર્યરત થઈ ગયો હોય અને શહેરભરને ફિલ્ટર થયેલુ પાણી પહોંચાડાતુ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તેની વચ્ચે આજે આ દાવાની પોલ ખુલી ગઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વૈશાલિ સિનેમા પાછળ પંદરેક એક દિવસથી પીવાનું પાણી ડહોળું આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર-10માં વૈશાલી સિનેમા પાછળનો વિસ્તાર પાણીની ટાંકીના વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં 60થી વધારે સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી પાણીના નળમાં ડહોળું પાણી આવે છે. નળમાં દૂષિત ડહોળું પાણી આવતું હોય લોકોને પીવા માટે પાણીના જગ પાછળ ખર્ચ કરવો પડે છે.
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન ન આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દૂષિત ડહોળા પાણીના કારણે જન્યા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. શહેરમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના સહિત અનેક ભંડોળમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી મૌખાદ તલાવડી પાસે ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત કરાયો છે. ત્યારે પ્લાન્ટથી શહેરભરમાં પાણી પહોંચાડાતુ હોવાનો દાવો નગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે જો ફિલ્ટરેશન પ્લાન્ટનું પાણી આવતુ હોય તો તે ડહોળુ કેમ આવી રહ્યુ છે? તે પ્રશ્ન ઉઠ્યો છે. પશ્ચિમમાં ડહોળા પાણીના કારણે લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ઉઠ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ અંગે તપાસ કરી કાર્યવાહી કરાય તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
બોર સાફ કરવાની કામગીરી ચાલુ છે: આસી એન્જી
નડિયાદ વૈશાલી સિનેમા વિસ્તારમાં ડહોળું પાણી આવવા મુદ્દે નગરપાલિકાના પાણી પુરવઠાના આસી. એન્જીનિયર પરેશક્ષીર સાગરનો સંપર્ક કરતા તેઓએ હાલમાં બોર સાફ કરવાની કામગીરી ચાલુ છે. ટેમ્પરેચરની વધઘટના કારણે આવી સ્થિતિ સર્જાય છે. બે ત્રણ દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે તેમ જણાવ્યું હતું.
શાંતિ ફળિયા સામેના વિસ્તારમાં તંત્ર નિષ્ફળ
નડિયાદ શહેરમાં શાંતિ ફળિયાની સામે આવેલા ઠાકોરવાસ અને આસપાસના ઘરોમાં દૂષિત પાણીની ફરીયાદ ઉઠી હતી. પરંતુ હજુ સુધી તંત્રના કર્મચારીને દૂષિત પાણીનો ઉકેલ મેળવવામાં સફળતા મળી નથી. જેના કારણે સ્લમ વિસ્તાર અને મધ્યમવર્ગીય જીવન ગાળતા પરીવારો આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. તંત્ર આ દિશામાં પણ નક્કર પરીણામલક્ષી કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.