સુરત: વડોદરા બાદ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બિલ વધારે આવતું હોવાની ફરિયાદ સાથે વેસુના સુમન આવાસના રહીશોએ બે દિવસ પૂર્વે પીપલોદ સબડિવિઝન પર કરેલા હોબાળા બાદ ઉમરા વિસ્તારના રહીશો પણ ગુસ્સે ભરાયા છે.
પારલે પોઇન્ટ વિસ્તારમાં નિર્મલનગર ખાતે ડીજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 204 જેટલા મકાનોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે. અત્યારે 6 મેથી શરૂ થયેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો દ્વારા જે રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. રિચાર્જ કરાવ્યાના થોડા જ દિવસોમાં રિચાર્જ પુરું થઈ જાય છે. પહેલાં બે મહિને 2000નું બિલ આવતું હતું તેનું 15 દિવસમાં જ 2000નું રિચાર્જ પુરું થવા લાગ્યું છે. રિચાર્જ પૂરું થાય એટલે તરત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે. સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ઉમરાના રહીશોએ કહ્યું કે, એક દિવસમાં 250 રૂપિયાની વીજળી ખર્ચ એપ્લીકેશન પર બતાવી રહ્યો છે. અમે મધ્યમવર્ગીય નોકરીયાતો છે. પગાર માત્ર વીજળીનો રિચાર્જ કરવામાં પૂરો થઈ જશે. અમારે ક્યાં જવું? મહિલાઓએ વીજકંપનીની કર્મચારી પર હાય હાયના સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કર્યો હતો. સ્માર્ટ વીજમીટર કાઢી લઈ પાછા જૂના મીટરો નાંખવા માંગણી કરી હતી.
લોકોએ કહ્યું કે, અધિકારીઓને અમે રજૂઆત કરી હતી કે આજે મીટર છે તે ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે અને બિલ પણ વધારે આવી રહ્યું છે. જુના મીટર પ્રમાણે જો સરેરાશ કાઢીએ તો માત્ર દસ જ દિવસની અંદર મારે પોતાનું 1,000 જેટલું બેલેન્સ વપરાઈ ગયું હોય તેવું જણાય છે. તેમજ અન્ય ઘર કે જેમાં એસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવોએ તો 2500 જેટલું રિચાર્જ કરાવ્યું છે.
જેમાંથી મોટાભાગના પૈસા કપાઈ ગયા છે. પહેલાં બે મહિનાનું જે બિલ આવતું હતું તેની સરખામણી કરવા જઈએ તો આ વધુ મોંઘુ પડે તેમ છે. બીજું કે પહેલાંના જે બિલ આવતા હતા તેમાં કેટલા યુનિટનો વપરાશ થયો છે તેની વિગતો પણ મળતી હતી. પરંતુ અત્યારે તો કેટલા યુનિટનો વપરાશ થયો છે તે પણ જાણવા મળી રહ્યું નથી. મોબાઇલની માફક સીધા આપણા ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે.
પુણા યોગીચોકમાં પણ વિરોધ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલ પીપલોદ ડિવિઝનમાં સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરાયું છે, ત્યાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના અન્ય વિસ્તારના રહીશોએ તો અધિકારીઓ જોગ ચીમકી ઉચ્ચારી છે. પુણા યોગીચોકના વિપુલ સુહાગીયાએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જોગ ચીમકી ઉચ્ચારતા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. પોસ્ટમાં લખ્યું છે કે, પુણા યોગીચોક વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો સરવે કરવા પણ આવતા નહીં.