નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં વીજકરંટ લાગવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં એક વાનરની સારવાર માટે વનવિભાગની ટીમે રસ ન દાખવ્યો હોવાથી વાનર છેલ્લાં બે દિવસથી દર્દથી તડપી રહ્યું હતું. દરમિયાન કુતરાઓના ટોળાએ આ ઘાયલ વાનરને ફંફોડી લેતાં તેની હાલત નાજુક બની હતી. જેથી એક જીવદયાપ્રેમી પરિવાર આ ઘાયલ વાનરની વહારે આવ્યો હતો અને તેને ઘરે લઈ જઈ પ્રાથમિક સારવાર આપી નવજીવન બક્ષ્યું હતું.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શનિવારના રોજ વીજકરંટ લાગવાથી એક વાનરને ગંભીર ઈજા પહોંચી હતી. આ વાનરનો જીવ બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલિક ડાકોર વનવિભાગને જાણ કરી હતી. જોકે, વનવિભાગનાં રેઢિયાળ તંત્રએ આ વાનરને બચાવવા માટે કોઈ રસ દાખવ્યો ન હતો. જેને પગલે આ ઘાયલ વાનર છેલ્લાં બે દિવસથી દર્દથી તડપી રહ્યું હતું. દરમિયાન કુતરાઓના ટોળાએ આ ઘાયલ વાનરને ફંફોડી લેતાં, તેની હાલત નાજુક બની હતી. જેથી એક જાગૃત નાગરિકે આ મામલે ડાકોર વનવિભાગના આર.એફ.ઓ વિજય પટેલને ઉપરાં-ઉપરી ફોન કર્યા હતાં. જોકે, આર.એફ.ઓ વિજય પટેલે એકપણ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. બીજી બાજુ વાનરની સ્થિતી વધુને વધુ ગંભીર બનતી જતી હતી. જેથી નજીકમાં રહેતાં જીવદયાપ્રેમી રક્ષાબેન સુથાર, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા આ ઘાયલ વાનરને તેમના ઘરે લઈ ગયાં હતાં. અને ખોરાક-પાણી તેમજ પ્રાથમિક સારવાર આપી હતી. જેને પગલે આ ઘાયલ વાનરને નવજીવન મળ્યું હતુ.
ડાકોરમાં ઘાયલ વાનરને બચાવવા માટે સ્થાનિકોએ વનવિભાગની ટીમને ફોન કર્યો હતો. જોકે, વનવિભાગ તરફથી આ કોઈ પગલાં ભરવામાં ન આવતા રોષ જોવા મળ્યો હતો.
ઘાયલ પશુઓ મોતને ભેટી રહ્યાં હોવાની બૂમ
ડાકોર તેમજ આસપાસના વિસ્તારોમાં વન્ય પશુ-પક્ષીઓ ઘાયલ થવાના બનાવો અવારનવાર બનતાં હોય છે. પરંતુ, વનવિભાગની આળસ અને બેદરકારીને પગલે દર વર્ષે હજારોની સંખ્યામાં આવા ઘાયલ વન્ય પશુ-પક્ષીઓ મોતને ભેટી રહ્યાં હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે વનવિભાગના આવા આળસું અને બેદરકાર અધિકારીઓ-કર્મચારીઓ સામે યોગ્ય તપાસ કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.