ગરબાડા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ના સંકલિત બાળવિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો સહિત ગામડાઓમાં ૦ થી ૬ વર્ષના નાના ભૂલકાઓ તથા કિશોરીઓ માટે પોષણયુક્ત આહાર,નાસ્તો,દૂધ,તથા,ફ્રૂટ આપવા આંગણવાડી કેન્દ્રો ઠેર ઠેર મંજૂર કરવામાં આવેલ છે અને આ કેન્દ્રોની સંપૂર્ણ જવાબદારી દરેક તાલુકા મથકે આઇસીડીએસ ઓફિસરની નિમણુક કરી સોંપવામાં આવેલ છે.
ગરબાડા તાલુકામાં પણ હર કોઈ ગામમાં મોટા ભાગના દરેક ફળિયે આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જે કેન્દ્રોમાં મુખ્ય સેવિકા તથા તેડાઘર બહેનો તેનું સંચાલન કરતા હોય છે. જ્યારે તેમનું સુપરવિઝન પણ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવતું હોય છે. આંગણવાડી કેન્દ્રોમાં સરકાર દ્વારા અઠવાડિક મેનુ (પૌષ્ટિક આહાર તેમજ નાસ્તા)નું આપવામાં આવે છે. તથા હર કોઈ આંગણવાડીમાં સગડી અને ગેસના બોટલ સહિત રસોઈ કામના જરૂરી વાસણો પણ ફાળવવામાં આવેલ હોવાની માહિતી મળી છે.
પરંતુ આંગણવાડીઓમાં મેનુ પ્રમાણે નાના ભૂલકાઓને પૌસ્ટિક આહાર મળતો નથી.નાસ્તાની ખાદ્ય સામગ્રી,ઘઉં તેલ,ફ્રૂટ,(ફળ ફળાદી)સમયસર અપાતું નથી અને અમુક આંગણવાડીઓ એતો અપાતું જ નથી. ઘણીખરી આંગણવાડી કેન્દ્રોમાં રોજેરોજ બાળકોની ખોટી હાજરી ભરવામાં આવે છે જ્યારે મુખ્ય સેવિકા જ અઠવાડિયામાં એક-બે દિવસ જ આંગણવાડીમાં જોવા મળે છે.
ગરમ નાસ્તો બનાવવા માટે આપવામાં આવેલ ગેસ નો ઉપયોગ પણ અમુક પોતાના ઘર માં કરી રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. આંગણવાડીઓમાં જે તેલ ના ડબ્બા અને ઘઉં ફાળવવામાં આવે છે તે સીધો આંગણવાડી કેન્દ્રો પર રાખવાનો હોય જે જ્યારે ઘણીખરી આંગણવાડીઓ એ અડધો જથ્યો તો મુખ્ય સેવિકા પોતાના ઘર માટે ઉપયોગમાં લઈ લે છે અને ઘણીખરી આંગણવાડીઓ એ તો આ ઘઉં અને તેલ નો જથ્થો પહોંચતો જ નથી.
માત્ર મુખ્ય સેવિકા નો જ ભાગ નહી પણ સુપરવાઈઝર અને ઉપલા અધિકારીઓ સુધી પણ અમુક કમિશન પહોંચાડવામાં આવે છે. આંગણવાડીમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો આંગણવાડીઓ મા ચાલી રહેલા વ્યવસ્થિત ભ્રષ્ટાચારની સાચી સત્યતા બહાર આવે તે નકારી શકાય તેમ નથી.