વડોદરા: વડોદરા જીલ્લા પંચાયતની અનગઢ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારની હાર થતાં ઈવીએમમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે ધનોરા ગામના લોકોએ સરકાર વિરોધી સુત્રોચાર કરી અનગઢ બેઠકની ચૂંટણી ફરી યોજવા માંગણી કરી હતી.
અનગઢ જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થતા કોંગ્રેસના ઉમેદવાર પારુલબેન પ્રવિણસિંહ મકવાણામાં નારાજગી જોવા મળી હતી.તેમણે ઈવીએમ મશીનમાં છેડછાડ કરી ભાજપના ઉમેદવાર હંસાબા રાજેન્દ્રસિંહ ગોહિલને ચૂંટણી જીત્યા હોવાના આક્ષેપ કરી ચૂંટણી અધિકારી સમક્ષ અનગઢ જીલ્લા પંચાયતની બેઠકની ચૂંટણી ફરી કરવાની માંગ કરી છે.સાથે સાથે ધનોરા ગામના રહીશો દ્વારા પણ કોંગ્રેસના ઉમેદવાર પારુલબેન મકવાણા હારી જતા ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
ઉમેદવારને સાથે રાખી ગ્રામજનોએ ધનોરા ગામ ખાતે સરકાર વિરોધી ભારે સુત્રોચાર કરી ફરી ચૂંટણી કરવાની માંગ કરી છે અને જો ફરીથી ચૂંટણી નહીં યોજાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે આવનાર દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.પારુલબેને જણાવ્યું હતું કે મારું પરિણામ સાચું બતાવવામાં આવ્યું નથી.
જેથી અમારો વિરોધ છે.મશીન સાથે ચેડાં કરવામાં આવ્યા છે.રીકાઉન્ટિંગની માંગ પણ કરી છે.અમે કોર્ટના દ્વારે જઈશું.જ્યારે ઉમેદવારના પતિ પ્રવીણસિંહે જણાવ્યું હતું કે પરિણામો જાહેર થયા ઈવીએમની જીત છે.આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીત છે કેમકે એમના જ બનાવેલા ઈવીએમ છે.
મારા ગામની અંદર જ બનાવ બન્યો ત્યારે ખબર પડી કે ઈવીએમ સાથે છેડછાડ થઈ છે.મારુ ગામ મારો પરિવાર છે.ધનોરા આખું ગામ જ્યારે મારી સાથે હોય તો ફક્ત 102 મત મળે અને સામે ભાજપને 750 મત મળે.એ ક્યાં નો ન્યાય છે.ઈવીએમ સાથે ચેડાં કરેલા જ છે.