નવી દિલ્હી: વર્ષ 2022ના મે મહિનામાં એન્ડ્રોઇડ 13ની જાહેરાત બાદ ગૂગલે (Google) હવે એન્ડ્રોઇડ 13નું અપડેટ (Update) લોકો માટે જાહેર કર્યું છે. એન્ડ્રોઇડ 13 (Android 13) ઘણા મોટા ફેરફારો સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં, ગૂગલે પિક્સેલ ફોન્સ માટે સૌપ્રથમ એન્ડ્રોઇડ 13 નું અપડેટ બહાર પાડ્યું છે. જોકે ટૂંક સમયમાં તેના અપડેટ્સ અન્ય કંપનીઓના ફોનમાં (Phone) પણ ઉપલબ્ધ થવાના છે.
મળતી માહિતી મુજબ કેટલીક કંપનીઓએ તેમના સ્માર્ટફોન મોડલની યાદી પણ જાહેર કરી છે જે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 13નું અપડેટ મેળવવા જઈ રહ્યા છે. Android 13 સાથે વપરાશકર્તાઓને વધુ સારી ગોપનીયતા અને સુરક્ષા મળશે. આ સિવાય એપ્સ કલર્સ પણ પહેલા કરતા વધુ સારા મળશે. Android 13 અપડેટ આ વર્ષના અંત સુધીમાં Samsung Galaxy, Asus, Nokia, iQOO, Motorola, OnePlus, Oppo, Realme, Sharp, Sony, Tecno, vivo અને Xiaomi જેવી કંપનીઓના ફોન પર ઉપલબ્ધ થશે. એન્ડ્રોઇડ 13 સાથે ડિઝાઇનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ 13 સાથે, યુઝર્સ તેમની કોઈપણ નોન-ગૂગલ એપ્સને પણ કસ્ટમાઈઝ કરી શકશે. નવા અપડેટ સાથે તમને એપ્લિકેશન આઇકોન અને વોલપેપર્સને કસ્ટમાઇઝ કરવા માટે વધુ વિકલ્પો મળશે. અગાઉ એક ભાષા બદલવાથી સમગ્ર ફોનની ભાષા બદલાતી હતી પરંતુ હવે Android 13 સાથે ચોક્કસ એપ્લિકેશનની ભાષા અને ફોન્ટ કદ બદલવાનો વિકલ્પ હશે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એન્ડ્રોઇડ 13 સાથે નવા વૉલપેપરને કસ્ટમાઇઝ્ડ બેડટાઇમ અને ડાર્ક મોડ મળશે. એન્ડ્રોઇડ 13 સાથે પિક્સેલ ફોનને અવકાશી ઑડિયો માટે સપોર્ટ મળશે જે iPhoneમાં પહેલેથી ઉપલબ્ઘ મળે છે. નવી OS બ્લૂટૂથ માટે લો એનર્જી (LE) ઓડિયોનો પણ ઉપયોગ કરશે. એન્ડ્રોઇડ 13 સાથે ગૂગલે યુનિફાઇડ સિક્યુરિટી અને પ્રાઇવસી સેટિંગ્સ પેજ ઉપરાંત આલ્બમમાં આર્ટવર્ક ઉમેર્યું છે. એન્ડ્રોઇડ 13ને ટેબલેટ માટે પણ ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે જેથી મલ્ટિટાસ્કિંગમાં કોઈ સમસ્યા ન આવે. તેનું અંતિમ અપડેટ ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે. એન્ડ્રોઇડ 13 સાથે લૉક સ્ક્રીન પર પણ મ્યુઝિક વગાડી શકશે. આ ઉપરાંત ભૂકંપ અંગે પહેલા કરતા સચોટ એલર્ટ પણ મળશે. ભૂકંપના એલર્ટની સાથે તેનાથી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવશે. ગૂગલ પેની ડિઝાઇનમાં ગૂગલ વોલેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના પછી તમે ઇવેન્ટ પાસ, પેમેન્ટ કાર્ડ, વીમો વગેરે સ્ટોર કરી શકશો.