National

આંધ્રપ્રદેશ રોડ અકસ્માત: બસ ઊંડી ખીણમાં પડતાં 9 મુસાફરોનાં મોત, અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં એક દુઃખદ રોડ અકસ્માત થયો છે. તીર્થયાત્રા પરથી પરત ફરતી એક ખાનગી મુસાફર બસ ચિંતુર–મારેડુમિલી ઘાટ રોડ પરથી પસાર થતી હતી ત્યારે ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી જતાં બસ ઊંડી ખીણમાં પડી ગઈ.

પ્રાથમિક માહિતી અનુસાર ઘટનાસ્થળે જ 9 મુસાફરોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અનેક યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની ભદ્રાચલમ એરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે.

બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા
જિલ્લા મેજિસ્ટ્રેટ દિનેશ કુમારે જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં 30થી વધુ લોકો સવાર હતા. આ બસ તેલંગાણાના ભદ્રાચલમથી અન્નાવરમ મંદિર તરફ જઈ રહી હતી. અચાનક આવેલા વળાંક પર ડ્રાઈવરનું સ્ટિયરિંગ પરથી નિયંત્રણ છૂટતા બસ સીધી ખીણમાં પટકાઈ હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ દળો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત દુઃખ કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા અધિકારીઓને સૂચના આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર ઘાયલોના સંપૂર્ણ સારવાર ખર્ચની જવાબદારી લેશે. અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણ કરી કે બસમાં કુલ 35 યાત્રિકો હતા અને સારવાર હેઠળના કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે.

પોલીસે તપાસ શરૂ કરી
આ અકસ્માત બાદ પોલીસ અને વહીવટી તંત્રે વિસ્તારને સીલ કરીને બચાવ કામગીરી હાથ ધરી. બસને ભારે નુકસાન થયું છે. જેના કારણે વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. ચિંતુર–મારેડુમિલી ઘાટ રસ્તો સંકોચાયો અને જોખમી હોવાથી અહીં અકસ્માતોની સંભાવના વધુ રહેતી હોવાની માહિતી સ્થાનિક લોકોએ આપી.

પોલીસે અકસ્માત પાછળનું કારણ શું હતું તેની તપાસ શરૂ કરી છે. શું બસની સ્પીડ વધુ હતી, ડ્રાઈવર થાકેલો હતો કે યાંત્રિક ખામી હતી તેની પણ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top