National

આંધ્રપ્રદેશ પોલીસનો માધવી હિડમાના નેટવર્ક પર મોટો પ્રહાર, 7 માઓવાદી ઠાર અને 50ની ધરપકડ

આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ગોળીબાળમાં 7 માઓવાદીઓને મારી પાડવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 50 માઓવાદી કાર્યકરોને પકડી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનથી માધવી હિડમાના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.

આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા માઓવાદી સંગઠન CPI (Maoist) વિરૂદ્ધ બહુ મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યુ છે. આ ઓપરેશન કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા અને ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લાના ઘણા વિસ્તારોમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું.

પોલીસે 50 માઓવાદી કાર્યકરોની ધરપકડ કરી છે. જેમાં વરિષ્ઠ નેતાઓ, લોજિસ્ટિક્સ ટીમ, સંદેશાવ્યવહાર યુનિટ અને સશસ્ત્ર પ્લાટૂન સભ્યોનો સમાવેશ થાય છે. ધરપકડ થયેલા ઘણા લોકો CPI (Maoist) સેન્ટ્રલ કમિટી સભ્ય માધવી હિડમાના નેટવર્ક સાથે સીધા સંકળાયેલા હતા.

મારેડુમિલીમાં અથડામણ થઈ
અમરાવતી પોલીસના જણાવ્યા મુજબ આજ રોજ તા. 19 નવેમ્બર બુધવારે મારેડુમિલી વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગોળીબારમાં સાત માઓવાદીઓ ઠાર થયા જેમાં ત્રણ મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. એડીજી (ઇન્ટેલિજન્સ) મહેશ ચંદ્ર લદ્દાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

માર્યા ગયેલા માઓવાદીઓમાં એકની ઓળખ મેટુરી જોખા રાવ ઉર્ફે ‘શંકર’ તરીકે થઈ છે. શંકરનો મૂળ નિવાસ શ્રીકાકુલમનો હતો અને તે આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) ઝોનનો એસિસ્ટન્ટ કમિશનર ઇન-ચાર્જ (ACM) હતો. તે ટેકનિકલ ઓપરેશન, શસ્ત્ર તાલીમ અને સંદેશાવ્યવહાર સિસ્ટમનો મુખ્ય નિષ્ણાત માનવામાં આવતો હતો.

નેટવર્કને મોટો ફટકો

આ કાર્યવાહીથી માધવી હિડમા ચલાવતું દક્ષિણ બસ્તર અને દંડકારણ્યનું માઓવાદી નેટવર્ક સંપૂર્ણપણે નબળું પડી ગયું છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં એવા સભ્યો પણ છે જેઓ વર્ષોથી માઓવાદી પ્રવૃત્તિઓને લોજિસ્ટિકલ સપોર્ટ આપી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે અને સરહદી વિસ્તારોમાં સંકુલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. જેથી માઓવાદી ચળવળને રાજ્યમાંથી મૂળભૂત રીતે સમાપ્ત કરી શકાય.

આ કાર્યવાહીથી આંધ્ર પ્રદેશમાં માઓવાદી પ્રવૃત્તિઓ પર મોટું નિયંત્રણ મળ્યું છે અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

Most Popular

To Top