નવી દિલ્હી : આંધ્રપ્રદેશના (Andhra Pradesh) પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) અને તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુની (Chandrababu Naidu) જાહેર સભામાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાની પણ જાણકારી સામે આવી છે. જયારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ જાહેર સભા નેલ્લોર જિલ્લાના કુન્દુકુરમાં યોજાઈ હતી.ત્યારે અચાનક જ નાસભાગ મચી જવા પામી હતી.
જાહેર સભા દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટના બાદ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. થોડા સમય બાદ અન્ય બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર જાહેર સભા દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ટીડીપીના સાત કાર્યકરોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ચંદ્રબાબુ નાયડુ બુધવારે સાંજે કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા
ચંદ્રબાબુ નાયડુ બુધવારે સાંજે કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો ગુડમ ગટર કેનાલને પાર કરી રહ્યો હતો ત્યારે ઘણા કામદારો કેનાલમાં પડ્યા હતા. જેના કારણે ત્રણ લોકોનું ગૂંગળામણથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બે લોકોનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.
રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
પ્રાપ્ત જાણકારી અનુસાર રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ધક્કા-મુક્કી શરૂ કરી દીધી હતી, જેના કારણે કેનાલમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘણા લોકો કેનાલમાં પડી ગયા હતા. દુર્ઘટના બાદ તરત જ નાયડુએ તેમની બેઠક રદ કરી હતી. તેમણે મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે પક્ષના નેતાઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.
નાયડુ નેલ્લોર જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસ પર છે
ચંદ્રબાબુ નાયડુ 28 થી 30 ડિસેમ્બર સુધી નેલ્લોર જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ જિલ્લાના કંદુકુર, કાવલી અને કોવુર મતવિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ તાજેતરમાં કંદુકુરમાં મંડૌસ ચક્રવાતથી પ્રભાવિત ખેડૂતો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ અલગ-અલગ વિસ્તારોમાં રોડ શો પણ કરી રહ્યા છે.