Comments

…અને એ પુસ્તકોની દુકાને લાઈન લાગી

કોઈ વ્યક્તિ પોતાનાં અંગત પુસ્તકો એક પુસ્તકની દુકાનને આપી દે એ કંઈ એવી મોટી ઘટના છે કે સમાચારમાં ચમકે? પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ઈંગ્લેન્ડમાં આવો એક બનાવ બન્યો જેની પ્રસારમાધ્યમોમાં વ્યાપક નોંધ લેવામાં આવી. એની વિગત જોઈએ. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને પછી લંડનમાં સ્થાયી થયેલા ગાયક-સંગીતકાર-લેખક-ગીતકાર-અભિનેતા જેવી બહુવિધ ઓળખ ધરાવતા નિકોલસ કેવ ‘નિક કેવ એન્‍ડ ધ બેડ સીડ્સ’ નામના ખ્યાતનામ રોક બેન્‍ડના મુખ્ય સ્થાપકોમાંના એક છે. તેમનો આગવો ચાહક વર્ગ છે.

દક્ષિણ લંડનના હોવ શહેરમાં આવેલી ‘ઓક્સફામ બુક શોપ’ જૂનાં પુસ્તકો વેચતી ઈંગ્લેન્ડની સૌથી વિશાળ દુકાન છે અને તેનો આગવો ગ્રાહક વર્ગ છે. સ્વાભાવિક છે કે આ દુકાનમાં અનેક જૂનાં પુસ્તકોની આવક થતી રહેતી હોય. જુલાઈ, 2025ના ત્રીજા સપ્તાહમાં નિક કેવ દ્વારા પોતાના અંગત સંગ્રહનાં આશરે બે હજાર પુસ્તકો આ દુકાનમાં દાનમાં અપાયાં. પુસ્તકો આ દુકાનમાં અપાયાની જાણ થતાં જ ચાહકોએ દુકાન પર લાઈન લગાડી દીધી. બહારગામથી પણ ચાહકો આવ્યાં. આ પુસ્તકો કદાચ એવાં દુર્લભ ન હોય એમ બને પણ ચાહકો માટે એ બાબત મહત્ત્વની હતી કે એ પુસ્તકો પોતાના પ્રિય કલાકારના અંગત સંગ્રહનાં હતાં. દુકાનના એક કર્મચારીના જણાવ્યા અનુસાર એ પુસ્તકોમાં ફિલસૂફી, કળા, ધર્મ, જૂની પેપરબેક્સ સહિત અનેકગણું વૈવિધ્ય છે.

આ ઉપરાંત, આવા કલાકારોના અંગત સંગ્રહનાં પુસ્તકોમાંથી અણધારી જે ચીજો મળી આવે અને એનાથી ચાહકોને જે જલસો પડે એની વાત જ શી કરવી! જેમ કે, કેટલાંક પુસ્તકોમાં બુકમાર્ક તરીકે વિમાનની ટિકિટો મૂકાયેલી છે. પુસ્તકો પર કેવનું નામ લખાયેલું નથી એ સંજોગોમાં આવી વસ્તુનું મૂલ્ય આગવું હોય છે. કેટલાંક પુસ્તકોમાં અમુક લખાણની નીચે લીટી દોરવામાં આવી છે, યા કેવના હસ્તાક્ષરમાં કશીક નોંધ લખાયેલી છે. તો કોઈક જાણીતા લેખકે ભેટ રૂપે કોઈ પુસ્તક આપ્યું હોવાની નોંધ પણ છે. કોઈક પુસ્તકમાં આમસ્ટર્ડામ જવાનો કેવનો બોર્ડિંગ પાસ છે, તો કોઈકમાં સિગારેટનું ખાલી ખોખું છે. પોતાના પ્રિય કલાકારની આવી અંગત અને અનૌપચારિક વસ્તુઓ મેળવીને કયા ચાહકને આનંદ ન થાય!

એક તરફ ચોફેરથી એવી બૂમ સતત સંભળાતી રહે છે કે પુસ્તકોનું મહત્ત્વ સતત ઘટી રહ્યું છે અને તેનો વાચક વર્ગ ઓછો થઈ રહ્યો છે. આવા માહોલમાં આ સમાચાર જાણીને આનંદ અવશ્ય થાય, તો સાથોસાથ આપણા દેશની પરિસ્થિતિ સાથે સરખામણી પણ અનાયાસે થઈ જાય. દેશની વાત જવા દઈએ. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણે આપણાં સાહિત્યકારોનાં સ્મારક પણ સાચવી શક્યાં નથી. ‘અસ્મિતા’ અને ‘ગૌરવ’ની મોટે ઉપાડે વાતો થતી રહે છે પણ બે-ચાર અપવાદ સિવાય રાજ્યભરનાં પુસ્તકાલયોમાં વાચક વર્ગ ઘટ્યો છે એમ કહેવું અતિશયોક્તિ ગણાય એવી સ્થિતિ છે. એ ઘટ્યો નથી, પણ નહીંવત્ થઈ ગયો છે.

આવા ઉદાસીન, ઉપેક્ષિત અને અવગણનાના માહોલમાં એક વિશિષ્ટ સંસ્થાની નોંધ લેવી અનિવાર્ય બની રહે છે. એ છે ખેડા જિલ્લાના નડિયાદની ઝગડિયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન, જેનું રૂપાંતર સ્મારકમાં કરવામાં આવ્યું છે. આ મકાનમાં ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખેલો. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ અહીં આવીને વસેલા, તેમ જ તેમના બાળપણનો કેટલોક હિસ્સો પણ આ મકાનમાં વીતેલો. ગોવર્ધનરામનું 1907માં અવસાન થયા પછી તેમના નિવાસસ્થાનની પરિસ્થિતિ કેવી હશે એની લાંબી કથા છોડીને એના વર્તમાન વિશે વાત કરીએ તો આ મકાન ખરા અર્થમાં સાહિત્યિક ધામ બની રહ્યું છે.

ગોવર્ધનરામ દ્વારા ઉપયોગમાં લેવાયેલા રાચરચીલા અને કલમ-કિત્તાઓ ઉપરાંત અહીં ગોવર્ધનરામની પ્રકાશિત થયેલી તમામ કૃતિઓની હસ્તપ્રત સચવાયેલી છે. આ ઉપરાંત ગોવર્ધનરામના અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો પણ અહીં જળવાયેલાં છે. વ્યવસાયે વકીલ, પ્રકૃતિએ દાર્શનિક અને નિજાનંદે લેખક એવા ગોવર્ધનરામના સંગ્રહનાં આ પુસ્તકો તેમના મનોવિશ્વની ઝાંખી કરાવે છે. આ પુસ્તકો પર ગોવર્ધનરામના હસ્તાક્ષરમાં લખાયેલું તેમનું નામ તેમજ એને ખરીદ્યાનું વર્ષ તો છે જ, સાથોસાથ પુસ્તકમાં તેમણે ઠેરઠેર કરેલી નોંધો, વાક્યો નીચે લીટીઓ જોઈને રોમાંચિત થઈ જવાય એવું છે.

નિક કેવ અત્યારે હયાત છે અને તેમનાં ચાહકો તેમનાં પુસ્તકોમાં જોવા મળતી લીટીઓ કે નોંધ જોઈને રોમાંચ અનુભવતાં હોય તો સો વર્ષ અગાઉ થઈ ગયેલા ગોવર્ધનરામનાં અંગત પુસ્તકો, એમના હસ્તાક્ષરો અને એમની કરેલી નોંધો જોઈને રોમાંચ ન થાય તો જ નવાઈ. વધુ આનંદની વાત એ છે કે દિલ્હીના રેખ્તા ફાઉન્‍ડેશનના સહયોગથી આ બધું જ ડિજિટાઈઝ થઈ ગયું છે અને ધીમે ધીમે તે ઈન્‍ટરનેટ પર નિ:શુલ્ક સુલભ કરાવાઈ રહ્યું છે.

આનું મૂલ્ય સમજવા માટે સાહિત્યપ્રેમી હોવું જરૂરી નથી. આ સાહિત્યસ્મારક પાછળ નડિયાદના પ્રો.ડૉ. હસિત મહેતાની દૃષ્ટિ અને પ્રયાસો રહેલાં છે. વિદેશમાં જઈને સાહિત્યકારોનાં સ્મારકો જોઈને ‘અહોહો!’ થઈ જવાય છે પણ જોવાની વાત એ છે કે આ સ્મારક વિશે સ્થાનિકોને ખાસ જાણકારી નથી. ઘણી વાર બહારગામથી યા વિદેશથી આવતાં મુલાકાતીઓ કોઈ સ્થાનિકને લઈને આવે ત્યારે સ્થાનિકો આ સ્થળ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરે છે. આપણા વારસાનું પુસ્તકિયું ગૌરવ લેવું સહેલું છે, પણ એ વારસાની જાળવણી બાબતે આપણો રેકોર્ડ તદ્દન કંગાળ રહ્યો છે. સંસ્કૃતિના ઝંડા ફરકાવીને ઠાલું ગૌરવ લીધા કરતાં વારસાની જાળવણી પ્રત્યે તો ઠીક, એના હોવા વિશે સભાન બનીએ તોય ઘણું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top