Business

..અને એ બાળક બોલ્યો “નાનલા પોઈરા રમે તે ગેમ આપ’’ ‘બાળક’ભગવાનનું ‘પરમરૂપ’ તે આનું નામ પણ…

નવા વર્ષના  ઉંબરેથી સૌને જય શ્રીકૃષ્ણ કરવા સાથે આજે ભગવાનનું સ્વરૂપ મનાતાં બાળકોની દુનિયાની વાત સાથે ગોષ્ઠિ કરીએ  પણ એ પહેલાં મેં જોયેલું એક દ્રશ્ય….. અમે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રમાણમાં મોટા બાળકો  મોબાઈલ પર પોતાની ગમતી ગેમ રમે  એવામાં ઉંમરમાં નાનો પણ બાળ કૃષ્ણ જેવો નટખટ  પરમ નામનો બાળક પણ આવે, બધાનું જોઈ એ પણ મોબાઈલ લઈને આવે પણ નાનો એટલે ગૂગલ પર લખીને ગેમ બોલાવતા ન આવડે પણ ગૂગલ એપ ખોલતા આવડે, એ તેના દોસ્તોને જુએ, રમવાનું મન તેને પણ. મને પણ થાય કે એ કહે તો ગેમ કાઢી આપું, મેં કહ્યું ‘’લાવ તને ગેમ કાઢી આપું’’ તો આ ચબરાક મોબાઈલનું સ્પીકર ખોલી બોલ્યો “નાનલા પોઈરા રમે તે ગેમ આપ “  એ બાળક શું બોલ્યો અને ગૂગલે તેનું વિરાટ દર્શન દઈ ટપોટપ ગેમ સ્ક્રિન પર મૂકી દીઘી ને હું એ જોઈ બોલી ઊઠ્યો “વાહ રે ગૂગલબાબા, ગજબના અંતર્યામી છો  આપ મહોદય “ એ બાળક તો નિર્દોષ જ હતો પણ એ સમયે તેને મન તેના ભગવાન ગૂગલબાબા જ રહ્યા ને, આમ પણ તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો અને તેને કોઈ તુરંત પૂરી કરે તો સહજભાવે તમે બોલી દો કે તમે મારા ભગવાન બનીને આવ્યા ભાઈ..

   અહીં નવા  વર્ષના આરંભે આ “પરમપ્રસંગ” એટલે  મૂક્યો કે જો આપણે  પણ  જીવનના   બધા જ વ્યવહાર, વ્યવસ્થા, જવાબદારી પાળવાની શરત વચ્ચે સહજ  રહી શકીશું તો  આપણો અંતર્યામી આપણી  પણ લાગણીનું ધ્યાન રાખશે, વાસ્તવિકતા અઘરી છે, ચાલવું પણ સહેલું નથી પણ સહજ થવામાં ક્યાં કોઈ ખર્ચ છે? બસ સ્વભાવને જ કેળવવાનો છે. થોડાં વર્ષો પહેલાં મહુવા તલગાજરડામાં મોરારિબાપુને મળ્યા ત્યારે થયેલી પ્રશ્નોત્તરીમાં બાપુને પૂછ્યું હતું કે માણસે સહજ થઈને જીવવું હોય તો શું કરવાનું? બાપુએ કહ્યું કે  બાળક બનીને જીવવા માંડે તો તે આપોઆપ સહજ થઈ શકે, એ નથી કહેવું કે જવાબદારી છોડી બાળક બની જાવ પણ આપણામાં બાળકને પણ જીવતો રાખવો  જરૂરી છે. એ ઈચ્છે ત્યારે ઊભો થાય, ઈચ્છે ત્યારે હસે , ઈચ્છે ત્યારે મોબાઈલને મચડી કાઢે… યાદ રહે આ બધી ચેષ્ટામાં ભાવ અલબત્ત નિર્દોષ જ હોય છે, બાપુ તો ત્યાં સુધી  કે આપણે બારણે આવેલા  વૃદ્ધ, વડીલ, સંત  પણ એવા હોવા જોઈએ કે તે બાળક જેવા વ્હાલા લાગે… વાતવાતમાં આપણે કહેતા રહીએ છીએ કે માણસ વૃદ્ધ થાય એટલે પાછો બાળકના લક્ષણે ઊતરી પડે અગર એવું જ હોય તો જીવનભર આપણામાં રહેલા બાળપણને સાથે રાખીએ તો કેવું સરસ?

     આપણા દેવની દુનિયા પણ જુઓને.. ભગવાન રામ બાળપણમાં ચન્દ્ર લાવી આપવાની જીદ કરે છે, કૃષ્ણનું  બાળપણ તો ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂરું કરવું તે  નકકી  કરવું અઘરું છે,  બાળ હનુમાનજી સૂરજને લાડુ સમજી માત્ર ઉડાન નથી ભરતા પણ  તેને ગળી પણ જાય છે….પ્રહલાદની અપાર પ્રાર્થનાથી  ભગવાનને નૃસિંહ અવતારે આવવું પડે છે, આ બધી જ કથાઓ હવે તમને આધુનિક યુગના “ગૂગલબાબા” આપી શકે. બસ પૂરી શ્રદ્ધા સાથે તમારે પેલા પરમ પોઈરાની જેમ બોલવું પડે… હિન્દુઓનું બેસતું વર્ષ દેવદેવીની કથા સાથે જોડાયેલું છે પણ દર વર્ષે  આવતું કેલેન્ડરવાળું વર્ષ ભગવાન  ઈસુના વર્ષ સાથે શરૂ થાય છે ત્યારે એક દ્રષ્ટાંત સાથે આપણે પણ પ્રાર્થના કરી લઈએ જે પ્રાર્થનામાં પણ વાત બાળકની જ છે.

વાત એક ચર્ચની છે, જ્યાં એક બાળક શાળા  જતાં પહેલાં પ્રાર્થના કરવા જાય, કંઈક બોલે અને પછી શાળાએ  પહોંચે, એ બાળકનો આ રોજનો ક્રમ જેને ચર્ચના  પાદરી જોયા કરે આખરે એક દિવસ પૂછી કાઢ્યું કે બેટા તું રોજ આવે છે, કંઈ બોલે છે તો એ કઈ પ્રાર્થના તું બોલે છે? જવાબમાં બાળકે કહ્યું કે  હું કોઈ પ્રાર્થના નથી કરતો, પાદરીએ પૂછ્યું કે તો પછી તું શું બોલે છે?  એ બાળકે કહ્યું કે હું માત્ર ABCD…. આલ્ફાબેટ બોલું છું અને પ્રભુ ઈસુને કહું છું આ આલ્ફાબેટમાંથી જ તારી  પ્રાર્થના બને છે, નીકળે છે, હે પ્રભુ તું તે જોડીને મારી પ્રાર્થનારૂપે લઇ લેજે…. પાદરી બાળકનો આ જવાબ સાંભળી ચકાચૌધ થઈ ગયા….. બોલ્યા આનાથી મોટી નિર્દોષ પ્રાર્થનાનું બીજું રૂપ શું હોય શકે?         મૂળ વાત પ્રભુના  અંતર્યામી હોવા સાથે નીકળી હતી જે અંતર્યામી પ્રભુએ આપણને  સોશ્યલ મીડિયા, You tube, Google, Twitter, Instagram વગેરેને મોનિટરરૂપે આપ્યા છે ત્યારે આપણે પેલા પરમની જેમ એમ બોલવાનું છે કે તારા સુધી પહોંચે તે પ્રાર્થના આપ….

પંચામૃત

વર્ષો પહેલાં જોયેલું એક દ્રશ્ય…
પોતાના બાળકને હંમેશ વ્હાલ કરતી એક મા એક દિવસ કોઈ કારણોસર બાળકને વઢી. રડતાં રડતાં એ બાળકે માને કહ્યું કે તું તો કહેતી હતી કે બાળક ભગવાનનું રૂપ હોય તો પછી ભગવાનને કેમ ખીજાય છે, વઢે છે?
આ સાંભળી માનું હૈયું ભરાઈ આવ્યું, રડી પડવા સાથે હાથમાં વ્હાલથી તેડી લઇ બોલી ઊઠી ભૂલ થઈ ગઈ મારા દીકરા, ભૂલ થઈ ગઈ મારા ભગવાન, મને માફ કરી દે…..મારા વ્હાલા…
(નટખટ, માખણચોર બાળકૃષ્ણને છાશવારે ખીજવાતી મા યશોદાને ક્યાં ખબર હતી કે પોતાના ઘરે આવેલો બાળક ખુદ ભગવાન છે….પરમ રૂપ છે…જો બાળકૃષ્ણે માખણ ચોરી ન કર્યાની સાબિતી આપવા મા યશોદાને મુખમાં બ્રહ્માન્ડના દર્શન કરાવ્યા ન હોત તો….)

Most Popular

To Top