Dakshin Gujarat Main

મિત્રના લગ્નમાંથી પરત ફરતી વેળા કાર ઝાડ સાથે ભટકાતાં ભૂક્કો: ત્રણ યુવાનોના મોત, બે ગંભીર

અનાવલ: (Anaval) મહુવાના આંગલધરા ગામની સીમમાં કાર ઝાડ સાથે ભટકાતાં ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે યુવાનોને ગંભીર ઇજા થઈ હતી. નવસારીના વાંસદા તાલુકાના કંબોયા ગામના ૨૫ વર્ષીય યુવાન નિલકમલ પટેલ પોતાની અર્ટિગા GJ 21 CB 3974 લઈને ૧૩-૧૨-૨૦૨૧ના રોજ તેના મિત્રો સાથે ભીનાર ખાતે મિત્રના લગ્નમાં (Marriage) ગયા હતા. લગ્નમાંથી રાત્રે ૧:૧૫ કલાકે પરત ફરતી વેળાએ અનાવલ-વાંસદા રસ્તા પર મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. આ બનાવ અંગે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાનોની લાશનું પોસ્ટમોર્ટમ અનાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. યુવકોના મોતથી ગામ અને પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.

  • મહુવાના આંગલધરા ગામની સીમમાં ગોઝારો અકસ્માત (Accident), અનાવલ-વાંસદા રસ્તા પર મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી
  • વાંસદાના કંબોયા, લાખાવાડી અને ચિખલીના ફડવેલના યુવાનો ભીનાર ખાતે મધ્યરાત્રે પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
  • રાતના સન્નાટામાં કાર અથડાવાનો અવાજ એક કિ.મી. દૂર સુધી સંભાળાયો હતો

મૃત્યુ પામનાર અને ઈજા પામનાર યુવકોના નામ
આ અકસ્માતમાં કંબોયાના કારચાલક નિલકમલ પટેલ, કંબોયાના ૨૧ વર્ષીય યોગેશ પટેલ, ફડવેલના ૨૮ વર્ષીય પિનલ આહીરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નિલેશ હરેશભાઇ પટેલ (ઉ.વ.૨૭ રહે. લાખાવાડી રહે. વાંસદા) તેમજ પરિમલ નટુભાઈ પટેલ (રહે. ફડવેલ તા.ચીખલી)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાતના સન્નાટામાં કાર અથડાવાનો અવાજ એક કિ.મી. દૂર સુધી સંભાળાયો
અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામની સીમ અકસ્માત ઝોન બની ગયો છે. થોડા સમય પૂર્વે જ હાલના અકસ્માતના નજીકના સ્થળે સર્જાયેલા અકસ્માતમાં પણ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ રસ્તા પર સલામતી માટે પગલાં લેવામાં આવે તે આવશ્યકતા વર્તાય રહી છે. આંગલધરાની સીમમાં આર્ટિગા પુરઝડપે ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી. આ અકસ્માત ઝાડ સાથે અથડાઈ તેમાં કારનો ખુરદો થઈ જવા પામ્યો હતો, રાતના સન્નાટામાં કાર અથડાવાનો અવાજ એક કિ.મી. દૂર સુધી સંભાળાયો હતો.

Most Popular

To Top