આજે ઘણાં સમયથી દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાંની વિધિ અને સમારોહ ચાલ્યા કરે છે, જેની લગભગ દરેક વર્તમાનપત્રોએ નોંધ લઇ સારી એવી જાહેરાત કરી છે. એ હકીકત છે કે આવા અગ્રણીના કોઇ પણ પ્રસંગની સમાજ દ્વારા નોંધ લેવાતી જ હોય છે. કોઇ પણ માલેતુજાર દ્વારા એમને ત્યાંના પ્રસંગોમાં અઢળક ખર્ચો થાય કે પછી એની દેશ અને સમાજ દ્વારા નોંધ લેવાય એની સામે કોઇને વાંધો ન હોઇ શકે કારણકે આ એમનો અંગત પ્રસંગ છે અને એને કઇ રીતે ઉજવવો એ એમનો અધિકાર છે.
ભૂતકાળમાં પણ આવા ઘણા પ્રસંગો ઉજવાયા જ છે અને આવી ઉજવણી સામે કોઇ વિરોધ ન નોંધાવી શકે, પરંતુ દેશની સિત્તેર ટકાથી વધુ વસ્તી ગરીબીમાં સબડતી હોય એ દેશમાં આ પ્રકારની ઉજવણી કેટલી વ્યાજબી ગણાય એ પણ એક મોટો સવાલ છે. આવા પ્રસંગોની અસર એક યા બીજા પ્રકારે મધ્યમ અને અન્ય વર્ગોના યુવાનોના જીવન પર પણ પડે છે, જે ઘણાં મા–બાપો માટે સમસ્યા બનવાની શક્યતાને પણ નકારી ન શકાય. આપણે ઘણી વખત જોયું છે કે મધ્યમ વર્ગનાં ઘણાં કુટુંબો દેખાદેખીમાં દેવું કરીને પણ આ પ્રકારના પ્રસંગો ધામધૂમથી ઉજવતા જોવા મળે છે, જેની ચુકવણીમાં ઘણી વખત આખી જિંદગી પૂરી થઇ જાય છે.
આવા ભપકાદાર પ્રસંગોથી અંજાઇ જઇ ઘણાં યુવાનો પણ યેન કેન પ્રકારે કે ઓછી મહેનતે ધનિક બનવાનાં સ્વપ્નો જોવા માંડી પૈસો પેદા કરવા ખોટો રસ્તો અખત્યાર કરતાં પણ ખંચકાતા નથી, જે બનતું આપણને ઘણી વખત જોવા મળે છે. અલબત્ત આવું વિચારતા યુવાનો અંબાણી કે અન્ય માલેતુજારોએ અનેક જાતની અગવડો વેઠી ભૂતકાળમાં સખત મહેનત કરી પૈસો પેદા કર્યો છે એ ભૂલી જઇ ટૂંકો રસ્તો અખત્યાર કરવાના પ્રયત્નો કરી માલેતુજાર બનવાનાં સ્વપ્નો જુએ છે જે આખરે એમને નિરાશાના શિકારમાં પરિણમવાની શક્યતાને નકારી ન શકાય. હકીકતમાં જરૂર છે વિઝનની અને સખત મહેનતની જે દ્વારા કોઇને અન્યાય કર્યા વિના સફળતાને વરી શકાય.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.