આણંદ, તા.9
આણંદની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ દર્દીને તંત્રની બેફિકરાઈથી વધારે દયનીય સ્થિતિનો ભોગ બનવું પડ્યું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાઈલાલભાઈ પટેલ નામના 60 વર્ષિય વૃધ્ધ નાગરિક પગની સારવાર માટે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે દાખલ થયેલ હતા. સારવાર માટે હોસ્પિટલમાં રાત્રે રોકાવું પડ્યું હતું. પરંતુ રાત્રે હોસ્પિટલમાં ફરજ પરના આરોગ્ય કર્મચારીઓની લાપરવાહીથી વૃધ્ધ દર્દી માટે દયાજનક સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે ઉંઘ દરમિયાન પગના પંજાના ભાગમાં ઉંદરોએ બચકાં ભરીને પગ લોહી લુહાણ કરી દીધો હતો. જોકે દર્દીને કણસતા સાંભળીને આસપાસના દર્દીઓનાં સગાંઓ દ્વારા ઘોર નિદ્રામાં રહેલા આરોગ્ય કર્મચારીને જગાડીને સમગ્ર બનાવની જાણ કરી હતી. જેથી વૃધ્ધને રાત્રે સારવાર મળી હતી. પરંતુ ફરજ પરના કર્મચારીઓની બેદરકારીથી ઉંદર કરડી જવાની ઘટના બનતાં જનરલ હોસ્પિટલની કામગીરી બાબતે શહેરભરમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયેલ દર્દીને ઘણી જ યાતના ભોગવવી પડી હતી. જેથી દર્દી સહિત સગાં સંબંધીઓએ આ બનાવ બાબતે યોગ્ય તપાસ કરી ફરજ પ્રત્યે બેદરકાર તમામ સામે કડકપણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે. આ ઘટનાને લઇ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આણંદની જનરલ હોસ્પિટલના દર્દીનેઉંદરોએ બચકાં ભરતાં હોબાળો
By
Posted on