આણંદ : આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ‘બિપોરજોય’ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારી અને કર્મચારીને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થળાંતર સહિતના તાકીદના પગલા ભરવા પડે તો તેના માટેના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીએ સંભવિત વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી 13મી તારીખ સુધી જિલ્લામાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ રહેલી હોઈ તમામ અધિકારીઓને સાવચેત રહેવા, હેડકવાટર ન છોડવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ ન પડે તે જોવા તાકીદ કરી હતી.
કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને જોખમી વૃક્ષો તેમજ નમી ગયેલા વૃક્ષોની ડાળીઓ ઉતારી લેવા સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે કાંસની વ્યવસ્થિત સફાઈ કરવા ઉપરાંત લોકો આપત્તિના સમયે ઘર બહાર ના નિકળે, વૃક્ષો નીચે કે વીજળીના થાંભલાની આસપાસ ના ઉભા રહે તે જોવાનું સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. કલેક્ટરએ આપત્તિ સમયે માનવ જીવનને નુકસાન ન થાય અને જો કોઈ નુકસાન થાય તો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાયની રકમ ચૂકવવા સુચના આપીને ખંભાત અને તારાપુર તાલુકાના દરિયા કિનારાના ગામો તેમજ બોરસદ અને આંકલાવના નદી કાંઠાના ગામોમાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમાર, પ્રાંત અધિકારી, નાયબ કલેકટર, મામલતદાર, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ એમજીવીસીએલના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
કમોસમી વરસાદને લઇ ખેડૂતોને સાવચેતીના પગલા ભરવા અનુરોધ
હવામાન વિભાગના દ્વારા મળેલ સુચના મુજબ આગામી 11મી સુધી રાજ્યના જીલ્લાઓ પૈકી મહીસાગર જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ નાયબ બાગાયત નિયામક, મહીસાગર દ્વારા ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રી અને પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જરૂરી પગલાં લેવા,આંબાની ખેતી કરતાં ખેડુત મિત્રો એ ઉત્પાદન અવસ્થાએ કેરી ને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો, પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડ ની આજુબાજુ માટી ચઢાવવી, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું.
જંતુનાશક દવા અને રાસયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. વધુમાં વરસાદ બાદ ફળ,ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા. એપીએમસીમાં વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે.