આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ 115 નાના મોટા કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં અગત્યના કામોમાં ડિઝીટલાઇઝેશનનો મુદ્દો રહ્યો છે. આ ઠરાવમાં પાલિકા હવે પ્રજાની સમસ્યા જાણવા એપ્લીકેશ લોન્ચ કરશે. જેના થકી સમસ્યા જાણી જે તે વિભાગ ઝડપથી પ્રશ્નનો નિકાલ કરી શકશે. જોકે, કતલખાનાના મુદ્દો હજુ પણ ગરમ છે અને આ મુદ્દો આગળ જતાં શાસકો માટે તકલીફ ઉભો કરી શકે છે. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારના રોજ પ્રમુખ રૂપલબહેન પટેલ (દાલ)ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ગણતરીની સેકન્ડમાં નાના મોટા 115 કામો મંજુર કરવામાં આવ્યાં હતાં.
જેમાં ઇ-ગર્વનન્સ સંદર્ભમાં હાલ પાલિકામાં ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી દરેક વિભાગમાં ચાલે છે. જે હાલ નવી મોબાઇલ એપ્લીકેશન બાબતે પ્રમુખ તથા કારોબારી ચેરમેન સાથે વાતચીત મુજબ નાગરીક ફરિયાદ નિવારણ સીસ્ટમ તથા સંવેદના ફેરી અંતર્ગત જનસંપર્ક જુદા જુદા વિસ્તારમાં જઇને ફરિયાદ નિવારણ કરી શકે તેવી મોબાઇલ એપ્લીકેશન જે આણંદ નગરપાલિકામાં સીસ્ટમ લાવવામાં આવશે. ઓફિસમાંથી મોબાઇલ દ્વારા નિકાલ થઇ શકે હાલ ડીજીટલ ઇન્ડીયા સરકારના અભિગમ મુજબ ગુજરાતમાં કેટલીક નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મોબાઇલ એપ્લીકેશનની કામગીરી ચાલુ છે. જે અંગેનો એસ્ટીમેન્ટ કાઢતા રૂ.9.69 લાખ પુરાનું થાય છે.
આ ઠરાવ મુજબ આણંદ પાલિકા ટુંક સમયમાં એક એપ્લીકેશન લોન્ચ કરશે. જે શહેરી વિસ્તારના નાગરિકો ડાઉનલોડ કરી તેમાં તેમની ફરિયાદ મુકી શકશે. જે સીધી જ જે તે વિભાગમાં પહોંચશે અને ઝડપથી આ ફરિયાદનું નિવારણ આવશે. હાલ પાલિકા સુધી અરજી આપવા જવું પડતું હતું અને ધક્કા ખાવા પડતાં હતાં. તે હવે એપ્લીકેશન થકી દુર થશે. આ સામાન્ય સભામાં રસ્તા, ગટર સહિતના કામો પણ લેવામાં આવ્યાં હતાં. જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2021ના જમા હિસાબ રૂ.19,23,63,050 પુરા સિલક સાથે રૂ.1,35,05,08,342.75 પૈસા પુરા થાય છે. ખર્ચનો હિસાબ રૂ.20,16,25,417 પુરા સિલક સાથે રૂ.1,35,05,08,342.75 પૈસા પુરા થાય છે. જે જમા ખર્ચનો ત્રિમાસિક હિસાબ મંજુર કરવામાં આવ્યો હતો.
લોટેશ્વર મહાદેવ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા મુકાશે
આણંદ શહેરના લોટેશ્વર મહાદેવ તથા લોટીયા ભાગોળ વિસ્તાર પાસેથી ધોરી માર્ગ તથા અન્ય બે જાહેર રસ્તા પસાર થાય છે. જેમાં લોટેશ્વર મંદિર પાસે તળાવ તરફ જતાં 18 મીટર ટીપી રોડ તથા દાંડી માર્ગના જંકશન ઉપર હાલ રોડ ભેગા થાય છે. દાંડીમાર્ગથી તળાવ તેમજ વ્યાયામ શાળા તરફ જતાં રોડના જંકશન ઉપર મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા તથા ફ્લાયઓવરનું નામકરણ મહારાણા પ્રતાપ રાખવા માગણી કરવામાં આવી હતી. જે મંજુર કરવામાં આવી છે.
છ કરોડના ખર્ચે બે કોમ્યુનીટી હોલ બનાવવામાં આવ્યાં
આણંદ પાલિકા દ્વારા 2018-19ના વર્ષની ગ્રાન્ટમાંથી ટીપી સ્કીમ નં. 8 ફાયનલ પ્લોટ નં.179માં કોમ્યુનીટી હોલ તથા કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.3,41,82,059નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત ટીપી સ્કીમ નં.1, ફાયનલ પ્લોટ નં.479માં કોમ્યુનીટી હોલ તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાના રૂ.2,68,39,609 મંજુર કર્યાં હતાં. તેનું કામ પૂર્ણ થતાં ફાયનલ બિલ મંજુર કરવામાં આવ્યું હતું.