આણંદ : પેટલાદ શહેરની કોલેજ ચોકડી પર આવેલા શિવાય આર્કેટમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક સાથે પાંચ દુકાનના શટર તોડી તેમાંથી રૂ.1.91 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. માત્ર એક મહિનામાં બીજો બનાવ બનતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. બીજી તરફ નાઇટ પેટ્રોલીંગના સઘન દાવા પણ પોકળ સાબિત થઇ રહ્યાં છે. હાલ આ અંગે દુકાનદારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પેટલાદના નુરતલાવડી ખાતે રહેદા દિપકકુમાર પટેલનો મેડિકલ સ્ટોર શહેરની કોલેજ ચોકડી પર આવેલા શિવાય આર્કેટ નામના કોમ્પ્લેક્સમાં આવેલી છે. તેઓએ 27મી જાન્યુઆરી,22ના રોજ રાત્રિના મેડિકલ સ્ટોર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. આ સમયે તેઓએ મેડિકલ સ્ટોરમાં દવા આપવા માટે આવતા વેપારીઓને બિલની ચુકવણી કરવાની હોવાથી સ્ટોરનો વકરો રૂ.1.76 લાખ રોકડા ટેબલના લોકરમાં રાખ્યો હતો. દરમિયાનમાં મોડિકલ રાત્રે ત્રાટકેલા તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી ટેબલરના લોકરમાંથી રૂ.1.76 લાખ ચોરી કરી ગયાં હતાં. આ બનાવની જાણ થતાં વ્હેલી સવારે દિપકકુમાર પટેલ દુકાન પર પહોંચ્યાં હતાં. તપાસ કરતાં તસ્કરોએ તેમના મેડિકલ સ્ટોર ઉપરાંત મેઘાબહેન પટેલની હરિક્રિશ્ના પ્રિન્ટીંગ, હર્ષદભાઈ બ્રહ્મભટ્ટની મોમ્સ કેફે, પીંજલબહેન સુખડીયાનું શિવાલી ફિજ્યો ક્લીનીક અને કોમ્પ્લેક્સ નજીક આવેલા પ્રથમ રેસીડન્સીમાં રહેતા શીંકાબહેન રાણાના ઘરના દરવાજાનો નકુચો તોડી તેમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂ.15 હજારની ચોરી કરી હતી. સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટની મદદથી તસ્કરનું પગેરૂ દબાવ્યું હતું. જોકે, ખાસ કોઇ કડી મળી નહતી. વેપારીઓની પુછપરછ દરમિયાન તસ્કરોએ કુલ રૂ.1.91 લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે હાલ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના રાવડાપુરામાંથી રૂ.7.45 લાખની રોકડ ચોરાઇ
આણંદ નજીકના નેશનલ હાઈવે પર રાવડાપુરા પાસે આવેલા નર્મદા ટોયોટા શો રૂમમાં ત્રાટકેલા તસ્કરો રૂ.7.45 લાખ રોકડ ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કણજરી ગામે રહેતા કેતનકુમાર સુરેશભાઈ પ્રજાપતિ રાવડાપુરા બ્રિજ નજીક નેશનલ હાઈવે પર નર્મદા ટોયોટા શો રૂમમાં કેશીયર તરીકે ફરજ બજાવે છે. આ શો રૂમના માલિક ભાવેશ સુરેન્દ્રભાઈ શર્મા (રહે.વડોદરા) છે. જ્યારે શો રૂમના જનરલ મેનેજર તરીકે ભાર્ગવ હરિદાસ ભેસાણીયા ફરજ બજાવે છે. શો રૂમમાં પાંચ સાત દિવસમાં જે રૂપિયા ભેગા થાય તે એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, ત્યાં સુધી રૂપિયા કેશીયરની ઓફિસમાં લોખંડની પેટીમાં મુકવામાં આવે છે. દરમિયાનમાં 25મી જાન્યુઆરી,22ના રોજ કામકામજ પુરૂ કરી રોકડા રૂ.7,45,603 લોખંડની પેટીમાં મુકી ગયાં હતાં. બાદમાં શો રૂમ પર ત્રાટકેલા તસ્કરો લોખંડની પેટીમાંથી રોકડ ચોરી કરી નાસી ગયાં છે. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયાં
શો રૂમના સીસીટીવી તપાસતા તેમાં 26મીની રાતના ત્રણેક વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બે અજાણ્યા શખસ વોશીંગ એરિયા નજીક આવેલી દિવાલ પરથી અંદર પ્રવેશ કરી સ્ટોર રૂમના બહારના દરવાજામાંથી પ્રવેશ કરી સર્વિસ રૂમમાં જવાનો લોખંડનો દરવાજો તોડી મેનેજરની ઓફિસની બારીમાંથી અંદર આવી કેશિયરની ઓફિસનો દરવાજો તોડી ચોરી કરી હોવાનું દેખાયું હતું.
બોરસદના વહેરા ગામે જલારામ મંદિર પાસેથી ભાટેરાના આચાર્યની કાર ચોરાઇ
બોરસદના વહેરા ગામે પરિવાર સાથે આવેલા ભાટેરા ગામની ઘનશ્યામ વિદ્યાલયના આચાર્યની કાર ચોરાઇ ગઈ હતી. આ અંગે આચાર્યએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહુધાના સિંઘાલી ગામે રહેતા પ્રફુલચંદ્ર કનુભાઈ પટેલ કઠલાલ તાલુકાના ભાટેરા ગામે ઘનશ્યામ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓ 24મી જાન્યુઆરી,22ના રોજ પરિવાર સાથે કાર નં.જીજે 1 એચકે 4074 કિંમત રૂ.50 હજારમાં વહેરા ગામે ફોઇ સાસુના પુત્રના લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં. બધા જાનૈયાઓને બોરસદના જલારામ મંદિર આગળ ઉતારો આપેલો આ સમયે પ્રફુલચંદ્રએ કાર ગેટની બાજુમાં જ પાર્ક કરી હતી. જે કોઇ શખસ ચોરી કરી નાસી ગયો હતો. લગ્ન પ્રસંગ પતાવી પરત આવેલા પ્રફુલચંદ્રએ કાર ન જોતા ચોંકી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રંગાઇપુરા હાઈવે પર 10 દુકાનના તાળા તુટ્યાં હતાં
પેટલાદના રંગાઈપુરા હાઈવે ઉપર 10 જેટલી દુકાનોનાં શટર તોડ્યા હતા. આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ પાંચ દુકાનોનાં શટર તૂટતાં પંથકમા દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળે છે. છેલ્લા એક મહિનામાં પંથકમાં અનેક દુકાનો અને મકાનોના તાળા તૂટ્યા છે. પંથકમાં તસ્કરોના તરખાટને લઈને રહીશો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.