ગાંધીનગર: આણંદ (Anand) એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતએ કાર્યક્રમ પૂર્વે આણંદ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશો નિહાળી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના બં. અ. કૃષિ મહાવિદ્યાલય ઓડિટોરિયમના પ્રાંગણમાં પ્રદર્શન સ્ટોલ્સમાં જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ખેત પેદાશોના ૧૨ પ્રદર્શન સ્ટોલ્સ લગાવવામાં આવ્યાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ દરેક સ્ટોલ પરના ખેડુતો સાથે આત્મીયતાસભર સંવાદ કર્યો હતો.
રાજ્યપાલએ તમામ સ્ટોલ પર પ્રદર્શિત કરવામાં આવેલા ખેત ઉત્પાદનોનું જાત નીરિક્ષણ કરીને તે વિશે માહિતી મેળવી હતી. તે સાથે તેઓએ દરેક ખેડુત સાથે તે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, રાસાયણીક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત જોવા મળ્યો, આવક વધારવામાં મદદરુપ થયેલા જરૂરી પરિબળો, ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને વેચાણ, એનાથી આવેલા પરિવર્તન વગેરે પર ચર્ચા કરી દરેક ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.