ગાંધીનગર: (Gandhinagar) કોરોનાવાયરસના પગલે બંધ પડેલું શૈક્ષણિક કાર્ય સોમવારથી રાજ્યમાં શરૂ થયું છે. જેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને સ્વાગત ગુલાબ કે ફૂલથી નહીં પરંતુ તેમને માસ્ક તેમજ સેનિટાઈઝરની કિટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. રાજ્યના શિક્ષણ (Education Minister) મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલોલ કેળવણી મંડળ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. અહીં મીડિયા સાથેની વાતચીતમાં ચુડાસમાએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તા. ૧૧મી જાન્યુઆરીથી શાળાઓ, કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થયો છે. ત્યારે શાળા (School) પ્રવેશોત્સવ જેવો હું અનુભવ કરી રહ્યો છું. આ કાર્યમાં માત્ર શિક્ષણ વિભાગનો જ નહીં, પણ આરોગ્ય વિભાગ-સામાન્ય વહીવટ વિભાગ, શાળા સંચાલકો-વાલીઓ અને સમગ્ર સમાજનો સહયોગ મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વિશ્વમાં વ્યાપેલા કોરોના કોવિડ-૧૯ની મહામારીના ૧૦ માસના લાંબા વેકેશન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેને શિક્ષણ જગતના તમામ લોકોએ આવકાર્યો છે. તમામ શાળાઓ અને કોલેજોને મંત્રી ચુડાસમાએ વિરોધ કરનારાઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરવાનું જણાવી કહ્યું કે, શિક્ષણ સિવાયના બાકીનાં બધાં જ ક્ષેત્રોમાં કામ શરૂ થઇ ગયું છે. હવે કોરોનાની બીમારીમાંથી સાજા થવાના કેસો વધ્યા છે. અત્યાર સુધીમાં ઓનલાઇન શિક્ષણ અપાતું હતું. પરંતુ શિક્ષકો, પ્રાધ્યાપકો અને વાલીઓની પ્રત્યક્ષ શિક્ષણની વ્યવસ્થાની હિમાયતથી વિદ્યાર્થીઓને વધારે સુગમ અને પરિણામલક્ષી બને છે.
હાલ પ્રથમ તબક્કામાં ધોરણ-૧૦ અને ૧૨ તેમજ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાકીનાં ધોરણોનું શિક્ષણ કાર્ય નિયમિત થઇ જશે. રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો છે કે, બાળકોનાં સ્વાસ્થ્યનું એસ.ઓ.પી. મુજબ પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક તેમજ સેનિટાઇઝર સાથે બાળકનું થર્મલ ગનથી ચકાસણી વગેરેનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેથી વાલીઓએ કોઇપણ જાતનો ડર રાખવાની જરૂરિયાત નથી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ પી.એચ.જી. મ્યુ. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા કોમર્સ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કિટ આપી આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.
સોમવારે ગાંધીનગર જિલ્લામાં અડાલજ ખાતે આવેલી શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલયમાં રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા શાળામાં ઉપસ્થિત રહી શાળામાં આવતા વિદ્યાર્થીઓને કિટ આપીને આવકાર આપ્યો હતો. પટેલે ધોરણ-10 અને 12ના ક્લાસ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી લાંબા સમય પછી ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા સરકારે લીધેલા નિર્ણય અંગેનો અભિપ્રાય પણ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ મંત્રી સાથેની વાતચીતમાં પોતે ખૂબ જ આનંદિત હોવાનું જણાવ્યું હતું. નવ માસ બાદ શાળા શરૂ થવાનો આનંદ બાળકોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.