Madhya Gujarat

આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેતી ભણાવશે

આણંદ : આણંદની કૃષિ યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ છ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડો. નિલમ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ, કૃષિ વૈજ્ઞાનિક અને વિષય નિષ્ણાંતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને  ભારે પરિશ્રમ કર્યો છે.

આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે.  અનેક ખેડૂતોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  અધિકમાં અધિક ઉત્પાદન આપી શકે તેવા ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિ પર પીએચડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસની આવશ્યકતા ઉભી થશે ત્યારે ભારત આખી દુનિયાને પ્રેરણા આપી શકે એવું કામ ગાંધીનગરના રાજભવનમાં થયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતૃત્વ કરે એવું તેમણે આહવાન કર્યું હતું.

ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં  પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ  પણ શરૂ કરી શકાશે.  ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે. આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિ પર વિદ્યાર્થીઓ પીએચડી પણ કરી શકે એવુ આયોજન છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ  પ્રાકૃતિક કૃષિ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનું આયોજન વિચારાયુ છે.

Most Popular

To Top