આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટીએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેંકીંગ ફ્રેમવર્કમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની જાહેર કરાયેલી યાદીમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં 18મો રેન્ક મેળવી શ્રેષ્ઠ 20 કૃષિ યુનિવર્સિટીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રના મહત્વને ઓળખીને આ વર્ષે નવી ઉમેરાયેલી બે શ્રેણીઓ પૈકી કૃષિ યુનિવર્સિટી અને સંલગ્ન કેટેગરીમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેંકીંગ ફ્રેમવર્કમાં સૂચીબંધ 40 શ્રેષ્ઠ ટોચની કૃષિ સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં ઇન્ડિયા રેન્કિંગ 2023માં રાજ્યની આણંદ કૃષિ યુનિવર્સિટી અગ્રણી કૃષિ યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીએ એનઆઈઆરએફ 2023માં દેશભરમાં 18મા ક્રમ અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ પરિણામમાં રાજ્યના કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના મહત્વપૂર્ણ યોગદાનને તથા તેને કૃષિ આગળ વધારવા માટેના સમર્પણને પ્રકાશિત કરે છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાજ્યના કૃષિ વિકાસને અગ્રેસર રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીને ઉત્કૃષ્ટતા તરફ લઈ જવા માટે તેમના અસાધારણ નેતૃત્વ અને માર્ગદર્શન માટે કુલપતિ ડો. કે.બી. કથીરિયાના પ્રયાસો પણ નોંધનીય છે. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના તમામ અધિકારીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની સંસ્થા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને કૃષિ ક્ષેત્રની કાયાપલટ માટેના અથાગ પ્રયાસો આણંદ કૃષિ યુનિવર્સિટીની સફળતામાં ઉલ્લેખનીય છે.