આણંદ : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા સંભવિત 13 સપ્ટેમ્બર, 2022થી 27 સપ્ટેમ્બર 2022 દરમિયાન નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક 18 થી 45 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ 4થી ઓગસ્ટ, 2022 સુધીમાં અરજી કરવાની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે અતંર્ગત આણંદ- મહિસાગરના 18થી 45 વર્ષના યુવક-યુવતીને ભાગ લેવા 4થી ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરની યાદીમાં જણાવ્યા અનુસાર હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. અરજીમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે.
તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાંનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબને નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે તથા શારીરીક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરની યાદીમાં જણાવાયુ છે.