SURAT

સુરતમાં વારંવાર આવતા પૂરને ધ્યાનમાં રાખીને સુરત મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ ટનલની ડિઝાઈન બનાવાઈ

સુરત: સુરત માટે ભવિષ્યમાં જીવાદોરી બનનારી મેટ્રો રેલનું (SuratMetroRail) કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી ડિસે.-2024 સુધીમાં મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ કરી દેવામાં આવશે તેવા મેટ્રોના અધિકારીઓના દાવા વચ્ચે સુરત રેલવે સ્ટેશને મેટ્રો સાથે પાંચ જેટલી સામુહિક પરિવહનની સુવિધાઓને જોડવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન ખાતે ભૂગર્ભમાં દોડનાર મેટ્રો સાથે જોડાનાર સુવિધાઓમાં રેલવે, એસટી, સિટીબસ, બીઆરટીએસ, ખાનગી ટેક્સી-રિક્ષાની સાથે સાથે સાયકલ શેરિંગનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જોડાણને કારણે કોઈપણ મુસાફર કોઈપણ વાહનથી રેલવે સ્ટેશનથી મેટ્રોમાં બેસી શકશે.

  • રેલવે, એસટી, સિટીબસ, ખાનગી વાહનો અને સાયકલથી આવનાર પણ રેલવે સ્ટેશનથી મેટ્રોમાં બેસી શકશે
  • રેલવે સ્ટેશન પર ભૂગર્ભમાં દોડનારી મેટ્રો સાથે મળશે 5 ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી
  • નવા બની રહેલા રેલવે સ્ટેશનની સાથે પણ મેટ્રો રેલને કો-ઓર્ડિનેટ કરાશે

આજે મેટ્રો રેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાપોદ્રાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોકબજાર એમ બે ભાગમાં અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી ફુલફ્લેજમાં ચાલી રહી છે. આ 6.47 કિ.મીની ટનલ માટે 4 ટીબીએમ મશીનની મદદથી કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેકટમાં મહત્વની વાત એ છે કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ધ્યાને રાખી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા પર ભાર મુકાયો હોય, સ્ટેશન ખાતે જે મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે. તેમાં મેટ્રોને અન્ય પાંચ ટ્રાન્સપોર્ટેશન સાથે કો-ઓર્ડિનેટ કરાશે. જેમાં રેલ્વે, એસ.ટી., સીટી બસ, બીઆરટીએસ, ખાનગી ટેક્ષી-રિક્ષા અને સાયકલ શેરિંગનો સમાવેશ થાય છે.

કાપોદ્રાથી શરૂ થતી મેટ્રો ટનલ ટૂંક સમયમાં જ લાભેશ્વર ભવન સુધી તૈયાર થઈ જશે
કાપોદ્રા ખાતેથી અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી નવેમ્બર 2022માં પુર્વ મનપા કમિશનર બંછાનિધિ પાનીના હસ્તે શરૂઆત કરાવવામાં આવી હતી. હાલ કાપોદ્રા ખાતે કુલ અપ અને ડાઉન સ્ટ્રીમ મળીને કુલ 12 કિમી પૈકી પાંચ કિલોમીટરની અંડર ગ્રાઉન્ડ ટનલ તૈયાર કરી દેવામાં આવી છે. મેટ્રોના રૂટ 1માં ડ્રીમસિટીથી કાદરશાની નાળ સુધીના 10 સ્ટેશન તેમજ પેકેજ સીએસ 2 અને 3 અંતર્ગતના અંડરગ્રાઉન્ડ (કાપોદ્રા સુધી)ના છ સ્ટેશન એમ કુલ 16 સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, કાપોદ્રાથી શરૂ થયેલી ટનલ લાભેશ્વર એટલે કે બરોડા પ્રિસ્ટેઝ સુધી ટૂંક સમયમાં પહોંચી જશે.

પ્રતિદિન સરેરાશ 8 થી 10 મીટર મેટ્રો માટે ટનલ બની રહી છે
કાપોદ્રા ખાતેથી નવેમ્બર 2022માં ટનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 1 ટીબીએમથી ટનલ બનાવવાની શરૂઆત કરાઈ હતી. હાલ સમગ્ર 6.47 કિ.મી ની અંડરગ્રાઉન્ડ ટનલ માટે 4 ટીબીએમ મશીન ઉતારી દેવાયા છે. જેમાં કાપોદ્રાથી રેલવે સ્ટેશન સુધીના 3.46 કિ.મીના અપમાં 1 કિ.મી અને અને ડાઉન સ્ટ્રીમમાં 564 મીટર મળીને 1.5 કિ.મીની ટનલ તૈયાર થઈ ચુકી છે. તેમજ રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીના કુલ 3.56 કિ.મી માટે હાલ અપ અને ડાઉન સ્ટ્રીમ મળીને 100 મીટર જેટલી ટનલ બનીને તૈયાર કરાઈ છે. આ પેકેજમાં 1 મહિના અગાઉ જ ટીબીએમ ઉતારાયા હતા. હાલ પ્રતિદિન 8 થી 10 મીટર જેટલી ટનલ તૈયાર થઈ રહી છે.

મેટ્રોનો પ્રથમ ફેઝ ડિસે.-2024 સુધીમાં શરૂ થઈ જશે: મેટ્રોના અધિકારી
સુરતમાં 40.35 કિ.મી. વિસ્તારમાં મેટ્રો રેલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સરથાણાથી ડ્રીમસિટી સુધીનો ફેઝ 1નો મેટ્રો પ્રોજેક્ટ કુલ 21.61 કિ.મી નો રૂટ પૈકી 15.14 કિ.મી એલિવેટેડ તેમજ 6.47 કિ.મીનો રૂટ અંડરગ્રાઉન્ડ બનનાર હોય આ રૂટ પર કાપોદ્રાથી ડ્રીમસિટી સુધીનો રૂટ ડીસેમ્બર 2024 સુધીમાં પુરો થઈ જશે. જયારે ભેંસાણથી સારોલીનો બીજા રૂટ કુલ 18.74 કિ.મી નો છે જે પણ માર્ચ 2025 સુધીમાં પુરો કરી દેવાનો ટાર્ગેટ રખાયો છે.

વર્ષ 2076 સુધીના ફ્લડની સ્ટડીને આધારે ડિઝાઈન તૈયાર કરાઈ
સુરત શહેરમાં ઘણીવાર તાપી નદીના પૂર આવી ચૂક્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં પુર આવવાની સંભાવના વર્તાતી હોય છે. જેને લઈ સુરત મેટ્રો દ્વારા આ પેરામીટરને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અને વર્ષ 2076 સુધીની ફ્લડની સંભાવનાની સ્ટડીને આધારે મેટ્રો રેલની ડિઝાઈન નક્કી કરવામાં આવી છે. તેમજ હાલ ચોમાસા દરમિયાન પણ મેટ્રોની અંડરગ્રાઉન્ડની કામગીરી ચાલુ જ રહેશે. જેને કોઈ ખલેલ પહોંચશે નહી તેમ મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top