SURAT

VIDEO: વરાછામાં ડિવાઈડર પર ચઢીને એસટી બસ પલટી મારી ગઈ, મુસાફરોને ઈજા

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એસટી બસનો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ડિવાઈડરમાં ઘુસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. બસમાં બેઠેલા અનેક મુસાફરોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાપી ડેપોની એસટી બસ રવિવારે રાત્રે દાહોદ જવા નીકળી હતી. આ બસ સુરતના વરાછા વિસ્તારમાં પહોંચી ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ બસ બ્રિજની નીચે ઉતરી અકસ્માત સર્જાયો હતો. બસ ફૂલસ્પીડમાં દોડતી એસટી બસના સ્ટીયરીંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો હતો. તેથી બસ ડિવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ હતી. બસ 10થી 15 ફૂટ સુધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ત્યાર બાદ રોડ પર પલટી મારી ગઈ હતી.

અકસ્માતને પગલે અંદર બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. કેટલાંક મુસાફરોને આ અકસ્માતમાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મધુબેન બજરંગ પરમાર (ઉં. વ. 45, રહે. હાલોલ દાહોદ), કિંજલ આકાશ રાઠોડ (ઉં.વ. 27, રહે. હાલોલ), હિના નેવાસ કાયલ (ઉં.વ. 44, રહે. સેલવાસ), વીરસિંહ ધુલિયાભાઈ પણરા (ઉં.વ.45, રહે. હાલોલ દાહોદ), રમણ ભૂરાભાઈ રાગજી (ઉં.વ. 38, રહે. દાહોદ)ને ઈજા થઈ હતી. કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ
મુસાફરોએ એવો આક્ષેપ કર્યો હતો કે એસટી બસનો ડ્રાઈવર નશામાં હતો. તે બસ ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો. તેના લીધે જ અકસ્માત થયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top