Charchapatra

ભારત માટે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો અવસર

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અત્યંત જરૂરી છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતનો 80 ટકા હિસ્સો આયાત કરે છે. તાજેતરના યુદ્ધને કારણે આવી પડેલા ઊર્જાસંકટ સામે પુન:પ્રાપ્ય ઊર્જા ભારતને મદદ કરે તેમ છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં સૌર ઊર્જા તથા પવન ઊર્જાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયેલ છે. રસોડામાં ગેસનો વપરાશ ઘટાડવા ઇન્ડકશન પ્લેટ, સૂર્યકુકર, ઇન્ટાપોટ જેવાં ઉપકરણોનો ઉપયોગ વધારવો જોઈએ. ગેસ વોટર હીટરને સ્થાને વિદ્યુત વોટર હીટરનો ઉપયોગ કરી કાયમ માટે વિદેશી ગેસ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય એમ છે.

વાહનવ્યવહારમાં પણ બેટરી આધારિત વાહનનો ઉપયોગ વધારી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડી શકાય છે. રેલવે મંત્રાલયે છેલ્લાં 10 વર્ષમાં બધી રેલવેને ઇલેકટ્રીક લાઈનમાં ફેરવીને પ્રશંસનીય કામગીરી કરી છે. ગત શિયાળામાં સૂર્ય ઊર્જાનું અભૂતપૂર્વ ઉત્પાદન થયું હતું કે તેનો વપરાશ ન થતાં સૂર્યઊર્જા આધારિત પાવર પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી હતી. યુદ્ધકાળ દરમિયાન આવેલા ઊર્જાસંકટને આપણે અવસરમાં બદલી કાયમ માટે વિદેશી ઊર્જાની નિર્ભરતામાંથી છુટકારો લેવો જોઈએ. સરકારે પણ વિવિધ ઊર્જા વધારવા તથા ગેસ, પેટ્રોલ, ડિઝલનો વપરાશ ઘટાડવા આક્રમક પગલાં લેવાં જોઇએ.
સુરત     – અમિત દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top