એક સમય હતો જ્યારે ફિલ્મી ગીતોમાંથી પ્રેરણા મળતી. પ્રેરણા નહીં તો છેલ્લે શુદ્ધ મનોરંજન તો મળતું જ. OTT પર આવતાં ફિલ્મો અને શ્રેણીઓમાં હિંસા અને સેકસનું પ્રાચુર્ય હોય છે. તાજેતરમાં નોરા ફતેહીનાં ગીત “સરકે ચૂનર” પર પ્રતિબંધ મૂકાયો. જયારે ગીતકારો અને ગાયકો શરાબ કે ડ્રગ્સની ઉજવણી કરે છે ત્યારે યુવા હૈયાઓને પ્રોત્સાહન મળે છે. દાયકાઓથી આવાં અભદ્ર ગીતો ગવાતાં આવ્યાં છે. ક્યારેક કોઈ ગીત બાબતે થોડો ઉહાપોહ થાય અને બધું દબાઈ જાય. જયારે દ્વિઅર્થી ગીતો ગવાય છે કે તેનું ફિલ્માંકન થાય છે ત્યારે માનવ મન પર વિષય (કન્ટેન્ટ) અદ્રશ્ય રીતે ખૂબ ઊંડી અસર છોડી જાય છે.
આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યાં આવી? અને તે પણ આ જ બાબતે? હમણાં જ એક ફિલ્મે બહુ ડંકો વગાડ્યો તેમાં ગાળાગાળી સાંભળી શકાય છે. સંપૂર્ણતા (પરફેક્શન) માટે આવી છૂટછાટ? જ્યારે આ માહોલ દેખાય છે ત્યારે પ્રશ્ન થાય કે શું પટકથા લેખકો અને ગીતકારો પાસે શબ્દો નથી? કે તેઓ ફક્ત નામ અને દામ કમાવાના આશયથી વા જોઈને સૂપડું મૂકે છે? શું તેઓ સામાજિક ઉત્તરદાયિત્વથી અણજાણ છે? વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે, હિંસક બાબતો નિહાળીને માનવ મન હિંસક બની જાય છે. એવું જ જાતિયતા બાબતે છે.
“દિલ્હી બેલી”માં “ડી કે બોઝ” જેવું વાહિયાત ગીત આવ્યું હતું ત્યારે સ્વ. રાજેન્દ્ર યાદવે એક ઇંટરવ્યૂમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે, આ આમ જનતાની ભાષા છે અને તે જાહેરમાં આવે તો વાંધો શો છે? તો તો કોઈ બાબતે કોઈ વાંધો જ નહીં હોવો જોઈએ. તો તો ચોમેર અંધાધૂંધી છવાઈ જાય. તેથી જ આજે આનંદ બક્ષી, હસરત જયપુરી, ઇન્દીવર, મજરૂહ સુલતાનપૂરી, અંજાન, ગુલઝારની જેમ આજના ગીતકારોનાં નામ કોઈને ખબર હોતાં નથી કે યાદ રહેતાં નથી.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.