ભારતમાં કલર ટી.વી.નું આગમન થયું તે પછી વીડિયોકોનનું નામ ઘરઘરમાં જાણીતું હતું. ભારતમાં જેટલા પણ કલર ટી. વી. સેટ વેચાતા હતા તેમાંના મોટા ભાગના વીડિયોકોન કંપનીના બનાવેલા રહેતા હતા. વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ગણતરી એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં થતી હતી. ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં તેમનું નામ ચમકતું હતું. વીડિયોકોન કંપની એટલી સદ્ધર હતી કે તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનને રાખ્યો હતો. ટી.વી.ના ક્ષેત્રથી પ્રારંભ કરીને વીડિયોકોને પોતાનું સામ્રાજ્ય ઓઇલ અને ગેસ, રિયલ એસ્ટેટ અને રિટેલ, હોમ એપ્લાયન્સીસ, કોન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રોમાં વિસ્તર્યું હતું.
વેણુગોપાલ ધૂતની મહત્ત્વાકાંક્ષા ભારતના જ નહીં પણ દુનિયાના સૌથી અમીર બનવાની હતી. આ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા તેમણે પોતાના ગજા બહારનું જોખમ વહોરી લીધું હતું. બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઈને તેમણે જુગાર ખેલ્યો હતો, જેમાં તેઓ હારી ગયા હતા. હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે તેમણે વધુ ને વધુ લોન લીધે રાખી હતી, જેના માટે ફ્રોડ પણ કર્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્કને નવડાવવામાં તેમણે ચંદા કોચર સાથે મળીને ઘણા ગોટાળા કર્યા હતા. હવે ચંદા કોચર અને તેમના પતિની ધરપકડ પછી વેણુગોપાલ ધૂતને પણ જેલમાં ચક્કી પીસવાનો વારો આવ્યો છે.
વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે તેમણે ખાનગી માલિકીની આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન લેવા માટે તેનાં તત્કાલીન સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરને ૬૪ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. વેણુગોપાલ ધૂતે આ લાંચ રોકડ રકમના રૂપમાં નહોતી આપી પણ દીપક કોચરની શેલ કંપનીઓમાં ફર્જી રોકાણ કરવા દ્વારા આપી હતી. વીડિયોકોન કંપનીને આપવામાં આવેલી મોટા ભાગની લોન ડૂબી ગઈ હતી. તે બદલ ચંદા કોચરને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમની તથા તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી.
વેણુગોપાલ ધૂતનો જન્મ ૧૯૫૧માં થયો હતો. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. તેમના પિતા નંદલાલ માધવલાલ ધૂત બજાજ સ્કૂટરની એજન્સી ધરાવતા હતા. તેમણે ૧૯૮૪માં વીડિયોકોન કંપનીની સ્થાપના કરી હતી અને ટી.વી. બનાવવાનું ચાલુ કર્યું હતું. વીડિયોકોન કંપનીનો વિકાસ વેણુગોપાલ ધૂતે કર્યો હતો. તે જમાનો બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી.નો હતો. ભારતની કોઈ કંપની કલર ટી.વી. સેટનું ઉત્પાદન કરતી નહોતી. ભારતમાં જપાનની સોની કંપનીના કલર ટી.વી.ની આયાત કરવામાં આવતી હતી, જેની કિંમત ભારે હતી.
વેણુગોપાલ ધૂતે વીડિયોકોનમાં કલર ટી.વી.નું ઉત્પાદન શરૂ કર્યું તેમાં ભારે સફળતા મળી હતી. વીડિયોકોન ટી.વી.ની ડિમાન્ડ એટલી વધી ગઈ કે તેણે ભારતમાં અનેક સ્થળો ઉપરાંત ચીન, મેક્સિકો, પોલાન્ડ અને ઇટલી જેવા દેશોમાં પણ પોતાના પ્લાન્ટો શરૂ કર્યા હતા. વીડિયોકોને ટી.વી. ઉપરાંત રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડિશનર અને મિક્સરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. વીડિયોકોને સસ્તા હોમ એપ્લાયન્સીસ વેચવાનું શરૂ કર્યું તેને કારણે ઓનિડા, વેસ્ટન અને સલોરા જેવી કંપનીઓનો નફો ઘટી ગયો હતો. વીડિયોકોને ૨-જી સ્પેક્ટ્રમ ખરીદી ટેલિકોમ ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું હતું.
૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધમાં દક્ષિણ કોરિયાની સેમસંગ અને એલજી જેવી કંપનીઓ વીડિયોકોન સાથે સ્પર્ધામાં ઊતરી હતી, જેને કારણે વીડિયોકોનનું વેચાણ ઘટવા લાગ્યું હતું. વેણુગોપાલ ધૂતે ૨૦૦૮માં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરના ક્ષેત્રમાં ઝંપલાવી દીધું હતું. તેમની કંપનીને ભારતમાં ૧૮ ક્ષેત્રોમાં ૨-જી સ્પેક્ટ્રમનાં લાઇસન્સો મળ્યાં હતાં. ૨૦૧૨માં ૨-જી કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં વીડિયોકોનનું નામ પણ બદનામ થયું હતું. વીડિયોકોન તેને મળેલાં ૧૮ લાઇસન્સો પૈકી ૧૧માં જ ટેલિકોમ સેવાઓ શરૂ કરી શકી હતી. તેનો મુકાબલો રિલાયન્સ, ટાટા, વોડાફોન અને એરટેલ જેવી કંપનીઓ સાથે થયો હતો, જેમાં તેને માર ખાવાનો વારો આવ્યો હતો.
૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે ૨-જી સ્પેક્ટ્રમનાં ૧૨૨ લાઇસન્સો કેન્સલ કર્યાં તેમાંનાં ૨૧ તો વીડિયોકોન કંપનીનાં હતાં. વીડિયોકોન કંપની જેમાં માર્કેટ લીડર હતી તે કોન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં તેને સેમસંગ, એલજી અને સોની જેવી કંપનીઓ હંફાવી રહી હતી. ટેલિકોમના ક્ષેત્રમાં તેનો મુકાબલો ટાટા અને રિલાયન્સ જેવી માતબર કંપનીઓ સામે હતો. સરવાળે બંને ધંધામાં તેમણે માર ખાધો હતો. કંપનીની ખોટ સરભર કરવા માટે તેણે બેન્કોમાંથી લોન લેવા માંડી હતી. છેવટે ૨૦૧૮માં વીડિયોકોન કંપનીને ૩૧,૦૦૦ કરોડના દેવા સાથે નાદાર જાહેર કરવામાં આવી હતી.
ઇ.સ.૧૯૯૦ના દાયકામાં જ વીડિયોકોન કંપનીએ ખનિજ તેલના ધંધામાં પણ પોતાનું તકદીર અજમાવવાનું શરૂ કર્યું હતું. ઇ.સ.૧૯૯૪માં તેણે આંધ્ર પ્રદેશના કાકિનાડા ઓફ્ફશોર ઓઇલ ફિલ્ડમાંથી ખનિજ તેલનું ઉત્પાદન કરવા માટે જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસી સાથે ૨૫ ટકામાં ભાગીદારી કરી હતી. મોઝામ્બિક, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ ખનિજ તેલનું ઉત્પાદન કરવા માટે તેણે ભારે રોકાણ કર્યું હતું. બ્રાઝિલમાં અને ઇન્ડોનેશિયામાં વીડિયોકોને જે તેલના કૂવાઓ ખરીદ્યા છે, તેમાં ચાર અબજ બેરલ ખનિજ તેલ હોવાનું કહેવાય છે, પણ તેમાંના કોઇ પણ કૂવામાં ખનિજ તેલનું ઉત્પાદન શરૂ થયું ન હોવાથી કંપનીની મૂડી સલવાઇ ગઇ છે.
વીડિયોકોન જૂથ પોતાના ધંધાના વિકાસ માટે બેન્કો પાસે લોન માગતી ગઇ અને બેન્કો પણ કંપનીની ગૂડવિલ જોઇને તેને લોન આપતી ગઇ. વીડિયોકોન કંપની એક તબક્કે બેન્કોની જૂની લોન ચૂકવવા કે વ્યાજ ભરવા માટે નવી લોન લેવા માંડી. બેન્કોને આ વાતની જાણ થઇ ત્યારે તેણે નવી લોન આપવાની બંધ કરી અને જૂની લોનની ઉઘરાણી ચાલુ કરી. દોરડીનો વળ છેડે આવી ગયો ત્યારે વીડિયોકોન જૂથે લોન કે વ્યાજ ચૂકવવાની પોતાની અસમર્થતા જાહેર કરી દીધી. વીડિયોકોન કંપની હવે ભારતની બેન્કોને કહે છે કે તેમને પોતાની સંપત્તિ વેચીને ૧૭ ભારતીય બેન્કોની ૨૨,૧૦૦ કરોડની લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવો જોઇએ. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એટલી ધીરજ નથી માટે તેણે બેન્કરપ્સી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. બીજી બેન્કો પણ તે માર્ગે જઇ રહી છે.
વીડિયોકોન જૂથ તેની પાસેની તમામ મિલકતો વેચવામાં સફળ થઇ જાય તો પણ તે ભારતીય તેમ જ વિદેશી બેન્કોનું ૪૩,૧૦૦ કરોડ રૂપિયાનું દેવું તાત્કાલિક ચૂકવી શકે તેમ નથી. કોઇ પણ કંપની દબાણમાં આવીને બજારમાં પોતાની મિલકત વેચવા જાય ત્યારે તેને તેની અપેક્ષિત કિંમત મળતી નથી; માટે તેણે પાણીના ભાવે પોતાની મિલકત વેચી દેવી પડે છે. વીડિયોકોન પાસે ઇન્ડોનેશિયામાં અને બ્રાઝિલમાં તેલના કૂવાઓ છે, પણ જ્યાં સુધી તેમાંથી તેલનું ઉત્પાદન શરૂ ન થાય ત્યાં સુધી તેને વેચી શકાય તેમ નથી. તેલનું ઉત્પાદન શરૂ કરવા માટે વધુ મૂડી લગાડવી પડે, જે વીડિયોકોન પાસે નથી. માટે તેની અપેક્ષિત કિંમત ઉપજે તેવી કોઇ સંભાવના નથી. રિઝર્વ બેન્કે વીડિયોકોન જેવી કુલ ૨૬ કંપનીઓની યાદી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને સુપરત કરી છે, જે સમયસર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ છે. આ કંપનીઓ ડૂબી જશે તો બેન્કોને આશરે બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન જશે; જે રકમ બેન્કનાં ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.