તાજેતરમાં પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ વાટલિયા પ્રજાપતિ સમાજ આયોજીત કાર્યક્રમમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓને ‘પુત્રવધૂ રત્ન પુરસ્કાર’થી સન્માનિત કર્યાના શુભ સમાચાર જાણવા મળ્યા છે. જે એમના આત્મસન્માન અને મનોબળને વધારશે. પુત્રી અને પુત્રવધૂ વચ્ચેનો ભેદભાવ ઓછો થશે અને સમાજમાં પુત્રવધૂઓની વર્ષોથી ચાલી આવતી રૂઢિગત છબી ચોક્કસ બદલાશે. જેનાથી જે તે પરિવારમાં તેમના માટે આદર અને પ્રશંસા વધશે અને ચોક્કસ ઘરમાં શાંતિ, ખુશી વધશે. આ પહેલ આવકાર્ય, પ્રશંસનીય છે. પુત્રવધૂની સામાજિક માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ ભગીરથ પ્રયાસ છે. પુત્રવધૂએ નવા જ ઘરમાં આવીને જે બલિદાન સમર્પણ કરે છે તે સાચે જ અભિનંદનીય છે. અન્ય સમાજો પણ વિવિધ પ્રકારે સન્માન કરવાના કાર્યક્રમો યોજે. આપે એક નવો જ ચીલો પહેલ પાડીને સાચા અર્થમાં નવા વર્શની ઉજવણી સાર્થક કરી છે. અમને શ્રધ્ધા છે સુરતીલાલાઓ અને ઉદાર સૌરાષ્ટ્રવાસીઓ આવા કાર્યક્રમો યોજી મહિલાઓનું સન્માન કરશે જ.
તાડવાડી, સુરત- રમીલા બળદેવ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દિવાળીના તહેવારમાં આહારમાં કાળજી રાખશો
દિવાળીના આ તહેવારમાં સુરતીઓ વિવિધ વાનગી તથા બજારુ વાનગી પિરસવામાં આવે છે. હજુ જુનવાણી વ્યક્તિ એક બીજાના ઘરે જવાનું ચાલુ છે. મહેમાનોની આગતાસ્વાગતા માટે પ્રણાલીગત વિવિધ જાતની મીઠાઈ, તળેલા ચેવડા તથા જુની પ્રણાલી પ્રમાણે સુંવાળી, થાપડા, ચોળાફળી, ગોબાપુરી, મઠિયા, સફેદ દળ, પીળો દળ ઉપરાંત હવે નાનખટાઈએ પણ એમાં સ્થાન લીધું છે. ખાસ કરીને સીનીયર સીટીજને આહારમાં ખૂબ જ કાળજી તથા મન મક્કમ રાખીને પોતાની પાચનશક્તિ પ્રમાણે ખાવાનું. કારણ કે સામેવાળા દરેક વાનગી ખાવા અને ખવડાવવા માટે આગ્રહ રાખશે. આજના જમાનામાં કોઈની પાસે સારવાર કરવાનો સમય હોતો નથી. તેના કરતાં આહારમાં કાબૂ રાખવો તે ઉત્તમ ઉપાય છે.
સુરત – મહેશ આઈ. ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.