એક કુંભાર માટીની ચિલમ બનાવતો હતો અને પોતે પણ ચિલમમાં તમાકુ સળગાવીને ફૂંકતો હતો.એક દિવસ કુંભાર એક તીર્થમાં દર્શન કરવા ગયો ત્યાં તેણે બે દ્રશ્ય જોયાં અને તેનું જીવન બદલાઈ ગયું. તીર્થ ક્ષેત્રમાં તેણે જોયું કે મંદિરની પાછળ અમુક સાધુઓ ચિલમ પી રહ્યા હતા અને ચિલમ પીતાં પીતાં એક સાધુને જોરદાર ઉધરસ આવી અને તેની તબિયત બગડી.આગળ જતાં કુંભારે જોયું કે એક યુવાન ચિલમ ફૂંકતો હતો અને તેની મા તેને ચિલમ ન ફૂંકવા સમજાવી રહી હતી.આવાં દ્રશ્યો જોઇને કુંભારના મનમાં એક વિચાર આવ્યો કે હું ચિલમ બનાવું છું જે લોકોના જીવનને નુક્સાન પહોંચાડી રહી છે.
આગળ જતાં કુંભારે જોયું કે મંદિરની સીડીઓ પર બે મોટા ઘડા ભરીને પાણી મૂકવામાં આવ્યું હતું અને આવતા જતા યાત્રાળુઓ તેમાંથી પાણી પી ને પોતાની તરસ છીપાવીને સંતોષ મેળવી રહ્યા હતા. આ બે દ્રશ્યો જોઇને કુંભારના મનમાં વિચાર આવ્યો કે ચિલમ પણ માટીમાંથી બને છે અને ઘડા પણ માટીમાંથી બને છે પરંતુ ચિલમ બધાને નુક્સાન કરે છે.વ્યસનના બંધાણી બનાવે છે.સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થાય છે.જયારે આ માટીના ઘડા પણ માટીમાંથી બને છે પણ પાણી પીવડાવી બધાની તરસ છીપાવે છે અને ઉપયોગી સાબિત થાય છે.આ વિચાર આવ્યા બાદ કુંભારે નક્કી કર્યું કે હવે તે ચિલમ કોઈ દિવસ નહિ બનાવે અને બસ તે દિવસથી કુંભારે ઘડા બનાવવાનું શરૂ કર્યું.
કુંભારે જે દિવસથી ઘડા બનાવવાનું શરૂ કર્યું ત્યારથી તેની આવક બમણી થઇ ગઈ અને કુંભારે બીજો એક નિયમ લીધો, દર અઠવાડિયે તે બે મોટા ઘડા બનાવતો અને તે ઘડાઓને પાણીથી ભરીને એક ચોકમાં મૂકતો, જેથી આવતાં જતાં લોકો પાણી પી શકે અને તરસ છીપાવી શકે.દર અઠવાડીએ કુંભાર એક નવા ચોકમાં ઘડા મૂકી પાણીની પરબ બનાવતો.કુંભાર પંખીઓના પાણી પીવા માટે પણ સાધન બનાવી ઠેકઠેકાણે મૂકતો.એક વાર મળેલી પ્રેરણા અને એક સારા વિચાર પર કુંભારે અમલ કર્યો અને જાણે તેનું જીવન જ બદલાઈ ગયું.આવક વધી એટલે જીવન સુંદર બન્યું અને પોતે ઘડા બનાવી પાણીની પરબ બનાવતો એટલે તેને પરમ સંતોષ પણ મળતો હતો. નાનકડી વાત અને નાનો વિચાર અને તેની પર અમલ કુંભાર માટે જીવનમાં બદલાવ લઇ આવ્યો.આપણને પણ ઘણી વાર કોઈ દ્રશ્ય કે વાતથી પ્રેરણા મળે છે અને સારો વિચાર આવે છે.પણ મોટે ભાગે આપણે તેની પર બરાબર ધ્યાન આપતા નથી.જો આવેલા સારા વિચાર પર બરાબર અમલ કરવામાં આવે તો જીવન બદલાઈ શકે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.