National

નાસિકમાં ઈન્ડિયન એરફોર્સનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ થયું, ખેતરમાં જઈ પડ્યું

નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં ભયંકર દુર્ઘટના બની છે. અહીં ઈન્ડિયન એરફોર્સનું સુખોઈ SU-30MKI ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું છે. અકસ્માત પહેલાં બંને પાયલોટ બહાર કૂદી ગયા હતા. જેટ ખેતરમાં જઈ પડ્યું હતું. અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી. એરફોર્સ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

ભારતીય વાયુ સેનાનું સુખોઈ SU-30MKI ફાઈટર જેટ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિશાદ તાલુકાના શિરાસગાંવમાં ક્રેશ થયું છે. આ જેટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ઓવર હોલિંગ અને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી તે સોર્ટી પર ગયું હતું. એટલે કે ટ્રેનિંગ માટે આકાશમાં ઉડી રહ્યું હતું. ત્યારે આ અકસ્માત થયો છે.

અકસ્માત પહેલાં જ વિમાન ચલાવતા બંને પાયલોટ ઈજેક્ટ કરી ગયા હતા. તેઓ પેરાશૂટ લઈ કૂદી ગયા હતા. પ્લેન એક ખેતરમાં જઈ પડ્યું હતું.

વાયુ સેનાએ આ દુર્ઘટના મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ઈન્ડિયન એરફોર્સે હિન્દુસ્તાન એરોનોટિક્સને 12 સુખોઈ આપવા કહ્યું હતું. જેથી જેટને એડવાન્સ અને સ્વદેશી બનાવી શકાય.

આ ફાઈટર જેટમાં ભારતના ભૌગોલિક, હવામાન અને અન્ય જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય રડાર, મિસાઈલ અને બીજી અનેક સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ તે 12 વિમાનોની જગ્યા લેશે જે થોડા વર્ષોમાં અકસ્માતોમાં નાશ પામ્યા છે. સુખોઈ એક મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે. જે હવાથી જમીન અને જમીનથી હવા વચ્ચે એક સાથે યુદ્ધ લડી શકે છે.

વાયુસેનાના આ ફાઈટર જેટની ખાસિયત શું છે?
તે ઝડપી અને ધીમી ગતિએ હવામાં એક્રોબેટિક્સ કરીને દુશ્મનોને છેતરીને હુમલો કરી શકે છે. Su-30MKI એ રશિયાના Su-27નું એડવાન્સ વર્ઝન છે. એરફોર્સ પાસે 272 Su-30MKI છે. આ જેટ ગ્રીજેવ-શિપુનોવ ઓટોકેનનથી સજ્જ છે. જે એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયર કરે છે. તેમાં 12 હાર્ડ પોઈન્ટ છે. તેમાં 4 પ્રકારના રોકેટ લગાવી શકાય છે. ચાર પ્રકારની મિસાઈલ અને 10 પ્રકારના બોમ્બ તૈનાત કરી શકાય છે. અથવા તમે આનું મિશ્રણ લગાવી શકો છો. આ ફાઈટર જેટમાં હાર્ડપોઈન્ટ પર હથિયારો ફાયર કરવાની વધુ સુવિધાઓ છે. જો એકથી વધુ રેક લગાવવામાં આવે તો તેમાં 14 હથિયારો લગાવી શકાય છે.

Most Popular

To Top