એક દૈનિક વર્તમાનપત્રના તંત્રીશ્રી દ્વારા ઉજાગર કરવામાં આવેલી નીચે જણાવેલ બાબત આપણા દેશના વ્યાપારીઓ માટે ખરેખર જ ખૂબ અગત્યનો સંદેશ પાઠવે છે. જાપાની આઈસ્ક્રીમ ઉત્પાદક અકાગી ન્યુગ્યોએ ૨૫ વર્ષમાં પ્રથમ વખત ભાવ વધારો કર્યો. આઈસ્ક્રીમના ભાવ ૬૦ થી ૭૦ યેન કરવામાં આવ્યા. કંપની દ્વારા એક મિનિટની જાહેરાત પ્રસારિત કરી ભાવમાં વધારો કરાયો એ બદલ માફી માગવામાં આવી. આ જાહેરાતમાં કોઈ કલાકારો નહોતા પણ કંપનીના ચેરમેન અને અધિકારીઓ હતા. આપણા દેશમાં તો રોજબરોજ ચીજવસ્તુઓના ભાવ વધારવામાં આવે.
તહેવારોમાં તો છાપાવાળી ભાષામાં કહીએ તો ભાવ વધારી લૂંટ કરવામાં આવે છે. જ્યારે જાપાનીઝ આઇસ્ક્રીમ કંપની ભાવ વધારો કરે અને એ પણ ૨૫ વર્ષમાં પ્રથમવાર તો એની માફી માગે છે. આવા લોકોથી જાપાન મહાન બન્યું છે. આપણા દેશમાં પોતાના પ્રોડક્ટની જાહેરાતો જે તે ઉત્પાદકો સેલિબ્રિટી દ્વારા કરાવે છે. હકીકતમાં એ જાહેરખબરમાં જે સેલિબ્રિટી જાહેરાત કરતો હોય તે પોતે તેનો ઉપયોગ કરતો નહીં હોય તો દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો જે તે સેલિબ્રિટીને કોઈ અધિકાર જ હોતો નથી. ઉપરનું ઉદાહરણ તેવું દર્શાવવા માટે પૂરતું છે.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.