Charchapatra

દેશમાં વૈચારિક ક્રાંતિ જરૂરી 

દેશ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. દરેક પ્રકારની ક્રાંતિની વાતો કરીએ જેવી કે સામાજીક, ધાર્મિક, રાજકીય, ઔધોગિક, સહકારી, શૈક્ષિણક. દરેક ક્ષેત્રમાં ક્રાંતિનાં પરિણામો જોવા મળે પણ આઝાદીના 75થી વધુ વર્ષે થવા છતાં માનવીમાં વૈચારિક ક્રાંતિ જોવા મળતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી અખબારમાં નજર ફેરવતા, આપઘાતના કિસ્સા, નજીવી બાબતમાં ખૂન, બનાવટનાં કિસ્સાઓ ધ્યાને આવે છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતા ફેંકવામાં આવ્યા એ ઘટના વખોડવા લાયક તો છે જ પણ ભારતના બંધારણનું પણ અપમાન કર્યું કહેવાય. આપણે દેશને વિશ્વગુરુ અને હિંદુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના બનતા બનાવો રોકવા જરૂરી છે.

આ ઉપરાંત દરેક ક્ષેત્રે ક્રાંતિ લાવનાર વિશ્વવિભૂતિ ઓના પૂતળા બાળવામાં આવે, જાતિભેદના કારણે પોલીસ અધિકારીએ આત્મહત્યા કરવી પડે, બંધારણના ઘડવૈયા વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવે, વંચિતોને મકાન મેળવવામાં હજુ મુશ્કેલી પડે આ બધા ઘર આંગણાના પ્રશ્નો જો સરળતાથી ઉકેલવામાં નિષ્ફળ જઈશું તો આવનારા દિવસોમાં અન્ય દેશો સાથે હરિફાઈમાં ટકવું મુશ્કેલ બની રહેશે. આખરે તો દરેક વ્યક્તિ બંધારણને વફાદાર રહેવા જરૂરી છે. દરેક વ્યક્તિ એક બીજા ઉપર અવલંબિત છે ત્યારે દરેક માનવીને સમાન તક મળવી જોઈએ. કોઈપણ બાબત તે પછી શિક્ષણ, રાજકારણ, વેપાર, સંપતિ, ધાર્મિક કે અન્ય હોય કોઈ એક વ્યક્તિ કે સમાજનું આધિપત્ય ન હોવું જોઈએ.
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top