Comments

આદર્શ વ્યવસ્થા એક કલ્પના, ખામીભરી વ્યવસ્થા એક હકીકત

ત્રણ પ્રકારનાં શાસકો હોય છે. પહેલો પ્રકાર એવાં શાસકોનો છે, જે પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલી શકે છે અને બદલે છે. પોતાના કાર્યકાળ દરમ્યાન બદલી ન શકે તો બદલવાનો રસ્તો ખોલી આપે છે અને પછી અનુગામી શાસકોએ ધરાર એ માર્ગે ચાલવું પડે છે. એવો કોઈ યુગ નથી હોતો, જેમાં વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્નો ન હોય. વ્યવસ્થામાં ખામી હોય, હોય અને હોય. રામરાજ્ય જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ વ્યવસ્થા એક કલ્પના માત્ર છે, ખામીભરી વ્યવસ્થા એક હકીકત છે. માટે વ્યવસ્થા પર નજર રાખવી જોઈએ, ખામી તરફ ધ્યાન દોરવું જોઈએ, ઉહાપોહ કરવો જોઈએ, નાગરિક સમાજે રસ્તા પર ઊતરવું જોઈએ, શાસકો પ્રતિસાદ આપે એ માટે પ્રયાસ કરવો જોઈએ વગેરે વગેરે.

પણ વ્યવસ્થા એવાં જ શાસકો બદલી શકે કે સુધારી શકે, જેમનામાં દૂરનું વિચારી જોવાની આવડત હોય, ઈરાદામાં પ્રામાણિકતા હોય, વ્યવસ્થાએ પેદા કરેલાં સ્થાપિત હિતોને હાથ લગાડવાની હિંમત હોય, વિરોધીઓને વિશ્વાસમાં લઈને ચાલવાની આવડત હોય. ટૂંકમાં એવાં શાસકો કરી શકે જે સાચી નિસ્બત ધરાવતાં હોય. ૧૯૯૧માં લોકસભામાં બહુમતી ન હોવા છતાં પી. વી. નરસિંહ રાવે આ કરી બતાવ્યું હતું. તેમના કાર્યકાળ દરમ્યાન વ્યવસ્થામાં પૂરતા સુધારા નહોતા થયા, પણ રસ્તો ખોલી આપ્યો હતો એટલે આગલી સરકારોએ સુધારાની પ્રક્રિયા  આગળ ચલાવી હતી. ત્યારે જે સુધારાઓ કરવામાં આવ્યા એ ખામીરહિત હતા એવું નથી અને માટે સતત સાબદાં રહેવું પડતું હોય છે. નવી વ્યવસ્થા નવા પ્રશ્નો પેદા કરે છે.

બીજા પ્રકારનાં શાસકો ચલાવી લેનારા અને કાઠિયાવાડી શબ્દ વાપરું તો રોડવી લેનારાં હોય છે. તેમનામાં આવડત અને ઈરાદો એમ બન્ને ચીજનો અભાવ હોય છે. ગાડું ગબડાવો અને મુદત પૂરી કરો. તેમને વ્યવસ્થાની અને વ્યવસ્થાએ પેદા કરેલાં સ્થાપિત હિતોની, તાકાતની જાણ હોય છે અને તેને હાથ લગાડવાની હિંમત હોતી નથી. આવાં શાસકોની સંખ્યા મોટી હોય છે અને તે આવતાં જ રહેતાં હોય છે. જેમનું કર્તૃત્વ ન હોય એની કીર્તિ પણ ન હોય, એટલે એવાં શાસકો વિષે લખવાનું વિશેષ બનતું નથી. અને એક ત્રીજા પ્રકારનાં શાસકો પણ હોય છે, જે પ્રસ્થાપિત વ્યવસ્થાએ પેદા કરેલી ગંદકી અને વ્યવસ્થાએ પેદા કરેલા અણિયાળા ખીલા જેવા પ્રશ્નો કાર્પેટ હેઠળ ધકેલે છે અને કાર્પેટની ઉપર આંખ અંજાઈ જાય એવું ભવ્ય રાચરચીલું ગોઠવે છે. આવાં શાસકો પણ વચ્ચે વચ્ચે આવતાં રહેતાં હોય છે, જેનો અનુભવ આજે આપણે કરી રહ્યાં છીએ.

ચારે બાજુ ભવ્યતાના અંબાર રચો અને ઉકરડાને ભૂલી જાવ. ભવ્યતાનો એવો ગોકીરો કરો કે કોઈ ઉકરડા તરફ ધ્યાન દોરે તો તેનો અવાજ જ લોકો સુધી ન પહોંચે. પણ તેઓ એ વાત ભૂલી જાય છે કે કાર્પેટની નીચે જે ગંદકી છે એ હજુ વધુ કોહવાઈને સડવાની છે, હજુ વધુ એકઠી થવાની છે, હજુ વધુ ગંધાવાની છે અને એક દિવસ બહાર આવવાની છે. એવું જ અણિયાળા ખીલા જેવા વણઉકલ્યા પ્રશ્નોનું. જ્યાં સુધી તેનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી તેનાથી મુક્તિ મળવાની નથી, પછી ભલે ગમે એટલા તમાશા કરવામાં આવે.

બંગાળમાં થયેલો રેલવે અકસ્માત આનું પ્રમાણ છે. રેલવે સ્ટેશનોએ દસ ફૂટ લાંબો ધ્વજ લહેરાવો, રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવાં સુશોભિત કરો, મોટી બ્રેન્ડના સ્ટોર્સ અને કેફેટેરિયા બનાવો, એરપોર્ટમાં લાઉન્જ હોય એવાં પ્રતીક્ષાલય બનાવો, વડા પ્રધાન સાથે સેલ્ફી લઈ શકાય એવાં સેલ્ફી પોઈન્ટ બનાવો, મોંઘા ભાવની ટીકીટવાળી અને અંદરખાનેથી ખાનગી એવી વન્દે ભારત અને તેજસ જેવી ટ્રેન ચલાવો, ટ્રેનના ડબ્બામાં ફાઈવસ્ટાર જેવી સુવિધા આપો એટલે લોકોને એમ લાગવા માંડશે કે જૂની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને નવું ભારત અસ્તિત્વમાં આવી ગયું છે. પણ એવાં લોકો એટલે કોણ? બોલકાં લોકો જે ઉધારી કરીને પણ ઘી પીવામાં માને છે અને બીજા માટેના વૈભવને પોતાના માટેનો માનીને મનોમન સુખનો  અનુભવ કરે છે.

મધ્યમ વર્ગનો આ સ્વભાવ છે. એ ખંખેરાતો હોય અને છતાં ગેલમાં હોય. એ જેની સાથે હોવો જોઈએ તેની સાથે ક્યારેય ઊભો નહીં રહે, જે ખંખેરે છે તેને સાથ આપશે. તે નર્યા દેખાવને વાસ્તવિકતા માનશે અને બેગા કી શાદી મેં અબ્દુલા દિવાનાની જેમ નાચવામાં અગ્રેસર હશે. અત્યારના આપણા ત્રીજા પ્રકારનાં શાસકોએ વિકાસ અને પરિવર્તનના નામે સૌંદર્યપ્રસાધન કર્યું છે, પણ સૌંદર્યપ્રસાધન સાચા ચહેરાને સદૈવ ઢાંકી નથી શકતું. ભારતનું રેલવે નેટવર્ક કેવડું મોટું છે અને તેમાં ગેંગમેન, સિગ્નલમેનથી લઈને ઉપર સુધી કેટલી કડીઓ જોડાયેલી હોય છે એનો કોઈ અંદાજ છે?

ફાઈવસ્ટાર સ્ટેશનોએથી પસાર થતી અને પશ્ચિમના દેશોમાં જોવા મળે છે એવી હાઈફાઈ વન્દે ભારત કે તેજસ ટ્રેન સ્વયંસુરક્ષિત નથી. રેલવે તંત્રની જે વ્યવસ્થા છે, જે કડીઓ છે એ તેને સુરક્ષા આપે છે અને એમાં કેટલીક ખામીઓ છે. કોઈ પણ તંત્રમાં કામ કરતા માનવીની આવડત, માનવીની દક્ષતા અને ટેકનોલોજી એમ ત્રણેયનું મિલન થાય ત્યારે એ તંત્ર વ્યવસ્થિત કામ કરે છે. પણ એ માટે જે તે તંત્ર પર નજર રાખવી પડે અને તેમાં સમયે સમયે સુધારા કરવા પડે. આ બધાં નજરે ન પડે એવાં અને વાહવાહી ન મળે એવાં ઝીણાં કામ છે અને ત્રીજા પ્રકારનાં શાસકોને એવાં કામમાં રસ હોતો નથી.

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બે મોટા રેલવે અકસ્માત થઈ ચૂક્યા છે અને ત્રીજી મુદતની શરૂઆત જ અકસ્માતથી થઈ છે. દરેક વખતે જાણકારોએ કહ્યું છે કે નીચેથી તંત્રમાં સુધારા કરવાની જરૂર છે. માણસોની ભરતી કરવાની જરૂર છે અને ટેકનોલોજી તેમ જ ટ્રેનિંગની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું છે કે વન્દે ભારત જેવી ઝડપથી દોડનારી ટ્રેન માટે ઝડપને સહન કરી શકે એવા સ્પીડ ટ્રેકની જરૂર છે. સ્પીડ કોરીડોરની જરૂર છે કે જેથી સામાન્ય ટ્રેનોને ચલાવનાર તંત્ર પર વજન ન આવે. પણ તંત્ર ખમી શકે કે ન ખમી શકે, દેખાવ જરૂરી છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top