બ્રિટનના મહારાણી એલિઝાબેથનું આઠમી સપ્ટેમ્બરે ખૂબ ટૂંકી બિમારી પછી અચાનક અવસાન થયું. તેઓ ૯૬ વર્ષના હતા તેથી વહેલી વિદાય લીધી તેવું તો બિલકુલ કહી શકાય તેમ નથી પરંતુ તેઓ તંદુરસ્ત અને સક્રિય હતા. અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી નબળા ખૂબ પડી ગયા હતા, છતાં સક્રિય હતા. અવસાનના બે દિવસ પહેલા તો તેમણે બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. મહારાણી જ્યાં ઉનાળો ગાળવા ગયા હતા તે બાલ્મોરલ કેસલના મહેલમાં જ આઠ સપ્ટેમ્બરે તેમને ખૂબ નબળાઇ જણાઇ.
તેઓ પથારીવશ જેવા થઇ ગયા, ડોકટરોને બોલાવવામાં આવ્યા. ડોકટરોને તેમની તબિયત ખૂબ ચિંતાજનક જણાઇ. તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિતના કુટુંબીજનોને બાલ્મોરલ કેસલ ખાતે બોલાવી લેવાયા અને થોડા કલાકોમાં તો મહારાણી અવસાન પામ્યા. આ સાથે જ બ્રિટનના રાજવી તરીકેના તેમના સૌથી લાંબા શાસનનો પણ અંત આવ્યો. તેમના અવસાનના સમાચાર થોડી વારમાં તો આખા વિશ્વમાં ફેલાઇ ગયા. તેઓ જો કે બ્રિટનના નામ માત્રના, બંધારણીય વડા હતા. બ્રિટનમાં એક મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે અને પરંતુ ત્યાં રાજાશાહી પ્રતિકાત્મક સ્વરૂપે પણ ટકાવી રાખવામાં આવી છે.
ત્યાં રાજા કે રાણી રાષ્ટ્રના બંધારણીય વડા ગણાય છે. તેઓ કોમનવેલ્થ દેશો એટલે કે અગાઉ જ્યાં બ્રિટિશ શાસન હતું તેવા દેશોના સમૂહના પણ વડા કહેવાય છે. અને કોમનવેલ્થના કેટલાક સભ્ય દેશોએ તો તેમને પોતાના બંધારણીય વડા તરીકે હજી પણ ચાલુ રાખ્યા છે જેની ચર્ચા આ સ્થળે અગાઉ થઇ જ છે. મહારાણી એલિઝાબેથ બ્રિટનના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય શાસન કરનાર રાજવી હતા. તેઓ તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાના અવસાનને પગલે ફેબ્રુઆરી ૧૯પ૨માં માત્ર ૨પ વર્ષની વયે બ્રિટનના રાણી બન્યા અને ૭૦ વર્ષ કરતા વધુ સમય સુધી સામ્રાજ્ઞી તરીકે રહ્યા. તેઓ બ્રિટનના તો સૌથી લાંબો સમય શાસન પર રહેનાર રાજવી બન્યા જ છે પરંતુ વિશ્વના નોંધાયેલા ઇતિહાસમાં સૌથી લાંબો ગાદી પર રહેનાર રાજવી પણ બન્યા. અત્યાર સુધી વિશ્વના અન્ય કોઇ પણ દેશમાં કોઇ મહિલા રાજવી આટલો લાંબો સમય શાસન પર રહ્યા નથી.
મહારાણી એલિઝાબેથનો આટલો લાંબો શાસનકાળ જોતા સ્વાભાવિક રીતે અનેક રાજકીય ઘટનાક્રમો અને પડકારોમાંથી તેમણે પસાર થવું પડ્યું હોય તે સ્વાભાવિક છે. તેઓ ભલે સરકારના વડા નહીં હોય, પરંતુ દેશના બંધારણીય વડા તો હતા જ અને સ્વાભાવિક રીતે જ બ્રિટનને લગતી ઘટનાઓ તેમને સ્પર્શે તો ખરી જ. આયર્લેન્ડની કટોકટી, યુરોપિયન યુનિયનમાં બ્રિટનનો સમાવેશ અને દાયકાઓ પછી યુરોપિયન યુનિયનમાંથી ફરીથી નીકળી જવું, દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા આપવી વગેરે બાબતો બ્રિટિશ તાજને પણ સ્પર્શતી બાબતો હતી અને તેમણે આ બાબતોમાં લોકશાહી સરકાર સાથે તાલમેળ જાળવીને પરિપકવ અભિગમ રાખ્યો.
તેઓ ફક્ત બ્રિટનમાં જ નહીં પણ કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રજામાં પણ કેટલાક અપવાદો સિવાય ખૂબ લોકપ્રિય હતા. અંતિમ પ્રાર્થના પ્રસંગે પ્રવચન કરતા ખ્રિસ્તી ધર્મગુરુ આર્કબિશપ ઓફ કેન્ટબરી જસ્ટિન વેલ્બીએ કહ્યું હતું કે મહારાણીને વિશ્વભરમાંથી જે પ્રેમ અને આદર મળ્યા છે તેવા બહુ ઓછા નેતાઓને મળ્યા છે. આજે ફક્ત મહારાણીનું કુટંબ જ નહીં, સમગ્ર દેશ, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વ દુ:ખ અનુભવી રહ્યું છે. આર્કબિશપની વાત સાચી છે. મહારાણીના અવસાન પછી જ્યારે હાલ છેલ્લા કેટલાક દિવસ તેમના પાર્થિવ દેહને જાહેર જનતા અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો ત્યારે જે માઇલો લાંબી કતારો અંતિમ દર્શન માટે લાગી અને અંતિમયાત્રા માટે હજારો લોકો ઉમટી પડ્યા તેના પરથી સમજાય છે કે મહારાણી કેટલા લોકપ્રિય હતા. દિવસો સુધી હજારો લોકોએ અંતિમ દર્શન કર્યા અને ભવ્ય અંતિમયાત્રા નિકળી હતી જેમાં હજારો લોકો હાજર હતા અને વિશ્વભરમાં લાખો લોકોએ ટીવી સ્ક્રીનો પર આ અંતિમયાત્રા નિહાળી જે એક રીતે વિશ્વભરના અનેક દેશોમાં તેમના ચાહકોનું પ્રમાણ પણ સૂચવે છે.
મહારાણીના અવસાન પછી બ્રિટનમાં પ્રતિકાત્મક રાજાશાહીનો કદાચ અંત આવી જશે એવી જે અટકળો સેવાતી હતી તે હાલ તો ખોટી પડી છે. પ્રિન્સ ચાર્લ્સ રાજવીપદ નહીં સ્વીકારે અને રાજાશાહનો વિધિવત અંત આણશે તેવી જે અટકળો હતી તે ખોટી પડી છે અને પ્રિન્સ ચાર્લ્સ કિંગ ચાર્લ્સ બનીને ગાદી પર ગોઠવાઇ ગયા છે. બ્રિટન એક લોકશાહી દેશ છે અને ત્યાં સરકારના વડા તરીકે વડાપ્રધાન ગણાય છે પણ બંધારણીય વડા રાજા કે રાણી ગણાય છે.
આ પ્રતિકાત્મક રાજાશાહીને અને રાજકુટુંબના ઠઠારાઓને નભાવવામાં કરદાતાઓના ઘણા નાણા વપરાય છે એમ કહીને ત્યાં કેટલાક લોકો રાજાશાહીનો વિરોધ પણ કરે છે અને કહે છે કે આવી પ્રતિકાત્મક રાજાશાહીને ટકાવી રાખવાનું કામ શું છે? તેનો અંત લાવો. જો કે રાજકુટુંબના ચાહકોનું પ્રમાણ ઘણુ મોટું છે, હાલ રાણીની અંતિમવિધિ વખતે લંડનમાં લોકોના થયેલા ધસારા પરથી પણ આ બાબત સમજી શકાય છે. આ ચાહકોના ટેકાના કારણે જ ત્યાં કદાચ ખર્ચાળ પ્રતિકાત્મક રાજાશાહી ટકી રહી છે. આ રાજાશાહીનો તો હાલ અંત આવે કે નહીં આવે પણ પુરા ૭૦ વર્ષ સુધી ગાદી પર રહેલા મહારાણી એલિઝાબેથના અવસાન અને દફનવિધિ સાથે બ્રિટનમાં જાણે એક યુગની સમાપ્તિ થઇ છે એમ ચોક્કસ લાગે છે.